પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠકકરના માગર્દશન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ જિલ્લામાં ગત તા.૨૧ નવેમ્બર થી તા.૧૬ ડિસેમ્બર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન સમગ્ર જિલ્લાના ગામોમાં સફાઇ અભિયાન, બસ સ્ટેન્ડ, જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો, સમુદ્ર કિનારો, નદી-તળાવો, શાળા અને આંગણવાડી સહિત વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું.
કુછડી ગામે વિંધ્યાવાસીની સખીમંડળની બહેનો દ્રારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા પ્રત્યેની જુદી જુદી કામગીરી કરવામાં આવી હતી. સખીમંડળની બહેનો દ્રારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેઓની કામગીરીની સરકાર દ્રારા નોંધ લેવામાં હતી. સ્વચ્છતાની સારી કામગીરી બદલ વિંધ્યાવાસીની સખીમંડળના પ્રમુખ દેવીબેન રામા કુછડીયાની દિલ્હી ખાતે ૨૬ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વની પરેડ નિહાળવા માટેનો અવસર મળ્યો હતો. દિલ્હીમાં ગ્રામ વિકાસ વિભાગ દ્રારા દેવીબેનનું બહુમાન કરવામાં આવ્યું હતું. દેવીબેન કુછડીયાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કુછડી ગામમાં સ્વચ્છતાની સારી કામગીરી બદલ સરકારે અમારી નોંધ લેવાની સાથે દિલ્હી ૨૬ મી જાન્યુઆરીમાં પરેડ નિહાળવા માટે પસંદગી કરવામાં આવી હતી. હું અને મારા પતિ સાથે રાષ્ટ્રીય પરેડ નિહાળવા માટે સરકારશ્રીના ખર્તે દિલ્હી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અને રાષ્ટ્રીય પરેડ નિહાળવાનો અમૂલ્ય અવસર મળ્યો હતો. પરેડનો અનોખો નજારો હતો. દેવીબેને વધુમાં જણાવ્યું હતું કે, કુછડી ગામમાં સફાઈ અભિયાનની સાથો સાથ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે બહેનોને સમજણ આપવાની સાથે ગામમાં સફાઈ અને ગંદકી મુક્ત
ગામ માટે લોકોમાં જાગૃતિ કેળવવામાં આવે છે. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ માટે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવે છે. સમગ્ર ગામમાં પોતાનું આંગણું સ્વચ્છ રાખવા માટે પહેલ કરી છે. કલેકટર કે.ડી. લાખાણીએ પણ આ સખી મંડળની બહેનોને અભિનંદન આપ્યા હતા.
