પોરબંદરમાં ખાતે આવેલી પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી અને ગુરૂજનોના માર્ગદર્શન થકી આ વર્ષે ૩૩મી રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીયસ્પર્ધા અંતર્ગત વિવિધ વિષયોની શાસ્ત્રીય સ્પર્ધામાં ઋષિકુમારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં સતત પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી હતી.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરી દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદ દ્વારા આયોજિત અને શ્રી શંકરાચાર્ય અભિનવ તીર્થ સચ્ચિદાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના યજમાન પદે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ વેદો અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ સંસ્કૃતશાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓ ઉંડાણપૂર્વક રસ લેતા થાય એ માટે આ વર્ષે ૩3મી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું તા.૧૬/૧૨/૨૪ થી તા.૧૯/૧૨/૨૩ સુધી દ્વારકા ખાતે આયોજન થયેલ હતું. આ રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની (સંભાષણ, શલાકા, કંઠપાઠ વગેરે) ૩૬ જેટલી સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ગુજરાતની દરેક સંસ્કૃત પાઠશાળાના ૬૨૧ જેટલા ઋષિકુમારોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતના વિવિધ શાસ્ત્રોની સંભાષણ સ્પર્ધા, શલાકા સ્પર્ધા, અક્ષર શ્લોકી સ્પર્ધા, કંઠપાઠ અને શ્લોકપૂર્તિ જેવી દરેક સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ ૧૧ સુવર્ણચંદ્રક, ૯ રજતચંદ્રક અને ૬ કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાના નિયમ પ્રમાણે ઋષિકુમારોને પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર જે પાઠશાળાના સૌથી વધુ અંક થાય તે પાઠશાળાને વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવે છે. આ વર્ષે સાંદીપનિની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ ૫૭ અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સળંગ પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી છે.
આ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરની સાંદીપનિ શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી બિપીનભાઈ જોશી અને સર્વ ગુરુજનો માર્ગદર્શનથી ઋષિકુમારોએ બધી જ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવનારને સુવર્ણચંદ્રક, દ્વિતિય ક્રમાંકને રજતચંદ્રક અને તૃતીય ને કાંસ્યચંદ્રક અર્પણ કરવામાં આવે છે જેમાં મહેતા યશ વ્યાકરણ શલાકા સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, ત્રિવેદી હર્ષિલ વ્યાકરણ સંભાષણ – સુવર્ણચંદ્રક, રવિયા દિક્ષિત, સાંખ્યયોગ સંભાષણ -સુવર્ણચંદ્રક, દવે જય, વેદભાષ્ય સંભાષણ – સુવર્ણચંદ્રક, જાની દિક્ષિત, કાવ્ય શ્લાકા – સુવર્ણચંદ્રક, દવે અજય અર્થશલાકા- સુવર્ણ ચંદ્રક, મહેતા ચિરાગ, આયુર્વેદ સંભાષણ- સુવર્ણ ચંદ્રક, દવે પ્રિન્સ કે, જ્યૌતીષ સંભાષણ -સુવર્ણચંદ્રક, પંડ્યા યશ, સમસ્યાપૂર્તિ – સુવર્ણ ચંદ્રક, બાંભણીયા પારસ, સુભાષિત કંઠપાઠ -સુવર્ણ ચંદ્રક, પંડ્યા મોહિત, ધાતુકંઠપાઠ -સુવર્ણચંદ્રક, દવે પ્રિન્સ જે. ન્યાય સંભાષણ – રજતચંદ્રક, મહેતા કાર્તિક, સાહિત્ય શલાકા રજતચંદ્રક, જોશી રૂદ્રેશ, મીમાંસા શલાકા – રજતચંદ્રક, મથ્થર મહેશ, સાહિત્ય સંભાષણ- રજતચંદ્રક, , તેરૈયા ઓમ, ન્યાયશલાકા – રજતચંદ્રક, પુરોહિત ઓમ, પુરાણેતિહાસ શલાકા -રજતચંદ્રક, દવે પાર્થ, ગણિત શલાકા-રજતચંદ્રક, રાજ્યગુરુ પ્રહલાદ, શાસ્ત્રાર્થ સ્પર્ધા -રજતચંદ્રક, આચાર્ય નિર્ભય, જૈનબૌદ્ધ સંભાષણ– રજતચંદ્રક, તેરૈયા પ્રીતેશ એસ., વેદાંત શલાકા- કાંસ્ય ચંદ્રક, જોશી રક્ષિત, અષ્ટાધ્યાયી કંઠપાઠ- કાંસ્ય ચંદ્રક, જોશી કિશન, મીમાંસા સંભાષણ- કાંસ્ય ચંદ્રક, મહેતા પ્રશાંત, વેદાંત સંભાષણ – કાંસ્ય ચંદ્રક, બળેજા સુનીલ, ભારતીય વિજ્ઞાન સંભાષણ- કાંસ્યચંદ્રક અને તેરૈયા મયુર, રામાયણ કંઠપાઠ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવતાં વિજય વૈજયંતી ટ્રોફી પુરસ્કાર બાબડેશ્વર સંસ્કૃત પાઠશાળાને પ્રાપ્ત થયો હતો.
પૂજ્ય ભાઈશ્રીએ અભિનંદન સહ આશીર્વચન પાઠવ્યા
સાંદીપનિની બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય એ મેળવેલ અપ્રતિમ સિદ્ધિ બદલ પૂજ્ય ભાઈશ્રીએ પોતાનો રાજીપો વ્યક્ત કરીને ગુરુજનો અને ઋષિકુમારોને ખૂબ-ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.
સ્પર્ધામાં ભાગ લેનાર ઋષિકુમારોનો સન્માન સમારોહ યોજાયો.
સાંદીપનિની બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ દ્વારકા ખાતે યોજાયેલરાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સર્વે ગુરુજનોની ઉપસ્થિતિમાં સ્પર્ધામાં ભાગ લેનારા ઋષિકુમારોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો.
આ અવસરે ઋષિકુમારોએ ઉપસ્થિત સર્વે ગુરુજનોનું ભાવપૂજન કરીને તેઓના આશીર્વાદ લઈને પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા અને એ સાથે ગૃહપતિ શ્રી બોબડેજી, આચાર્યશ્રી બિપીનભાઇ જોષી અને ડૉ. ગૌરીશંકરભાઈ જોષીએ વિદ્યાર્થીઓને શાબ્દિક અભિનંદન આપીને આગામી અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધા માટે પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.
આ તકે સાંદીપનિ સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ, સંચાલકોએ અને સર્વે ગુરૂજનોએ ગૌરવની લાગણી અનુભવીને સૌને અભિનંદન પાઠવ્યા હતા.