પોરબંદર એસટી વિભાગ ને મહાશિવરાત્રી દરમ્યાન ૧૩ લાખ ની વધારા ની આવક થઇ છે ગત વર્ષ ની સરખામણી એ મુસાફરો ની સંખ્યા વધી છે પરંતુ આવક માં ઘટાડો થયો છે.
પોરબંદર એસટી વિભાગ દ્વારા મહાશિવરાત્રી ને લઇ ને જુનાગઢ ઉપરાંત સોમનાથ અને દ્વારકા માટે એક્સ્ટ્રા બસો નું આયોજન કરાયું હતું. જેમાં તા ૨૨ થી તા ૨૭ સુધી રાઉન્ડ ધ કલોક બસો ની સુવિધા આપવામાં આવી હતી. જેનો મોટી સંખ્યા માં મુસાફરો ને લાભ મળ્યો હતો. આ દિવસો દરમ્યાન ડેપો દ્વારા સંચાલિત ૨૮૭ ટ્રીપ દ્વારા ૧૮૦૭૪ લોકોએ મુસાફરી કરી હતી. જેથી ડેપોને ૧૩,૫૧,૨૦૧ની વધારાની આવક થઇ હતી.
મુસાફરો ની સગવડતા માટે સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા શિવરાત્રી ની રાત્રે જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે જાતે હાજર રહીને રાત્રિ સંચાલન કરાવ્યું હતું. તો ડ્રાઈવર કંડકટરોએ પણ જરૂરીયાત મુજબ ડબલ ડ્યુટી ની ફરજ બજાવી હતી. બસ સ્ટેન્ડ ખાતે પણ ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા સવારે ૫ વાગ્યા થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી હાજર રહી મુસાફરો ની જરૂરીયાત અનુસાર સતત બસો ફાળવી હતી. જો કે ગત વર્ષે ડેપો દ્વારા સંચાલિત ૧૦૫ બસો દ્વારા ૧૬૫૫૯ લોકોએ મુસાફરી કરી હતી. જેનાથી ડેપોને રૂા.૧૪,૧૭,૫૧૦ ની વધારાનીઆવક થઇ હતી. આમ ગત વર્ષ ની સરખામણી એ મુસાફરો માં ૧૫૦૦ નો વધારો થયો છે. પરંતુ આવક માં અડધા લાખ નો ઘટાડો નોંધાયો છે.