ધરમપુર ગ્રામ પંચાયતના કામદારોને પોરબંદર નગરપાલિકાએ છ લાખ રૂપિયા ચુકવવા શ્રમ આયુક્ત દ્વારા હુકમ કરાયો છે.
પોરબંદરના મદદનીશ શ્રમ આયુકત ભડાણીયાએ તાજેતરમાં રૂા. ૬,૦૦,૦૦૦ ગ્રેચ્યુઇટી ચુકવી આપવા પોરબંદર-છાયા નગરપાલિકાને હુકમ ફરમાવેલ છે. જ્યારે ધરમપુર ગ્રામ પંચાયત પોરબંદર ખાતે ઘણાં સમય અગાઉ ભેળવી દેવાયેલ હોવા છતાં તેના કામદારો, વર્કરોને ગ્રેચ્યુઇટીની રકમ ચુકવી આપવા પોરબંદર-છાયા નગરપાલિકા પોતાના હકુમત ક્ષેત્રમાં ન આવતું હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરતી માલુમ પડેલ છે. જેની સામે તાજેતરમાં ધરમપુર પંચાયતના કામદારોને ગ્રેચ્યુટીની રકમ ચુકવી આપવા પોરબંદર-છાયા નગરપાલિકાને આદેશ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
આ કેસોની વધુ વિગત મુજબ પોરબંદરના ફરીયાદી કામદારો ભીખુ હમીર કટારા, સરમણ કાના હુણ, સ્વ. જેન્તીલાલ જોષીના વારસ જશુબેન જેન્તીલાલ જોષી, જગદીશ ઉમીયાશંકર ભટ્ટને મળીને કુલ રકમ રૂા. ૬,૦૦,૦૦૦ જેવી રકમ જ્યાં સુધી ન ચુકવાય ત્યાં સુધી ૧૦ ટકા વ્યાજ સહિત ચુકવી આપવા પોરબંદર શ્રમ આયુકતે હુકમ ફરમાવેલ છે. જે તમામ કામદારોએ પોતાના પોરબંદરના વકીલ વિજયકુમાર પંડયા મારફત શ્રમ આયુકતની કચેરીમાં ગ્રેચ્યુઇટી કેસ કરેલ હતો જેમાં તેમની દલીલોને ધ્યાને લઇને આ હુકમ ફરમાવેલ છે.
પોરબંદર-છાયા નગરપાલિકાએ ધરમપુર પંચાયત પોતાનામાં ભળી જતા મૂળ સંસ્થા ધરમપુર પંચાયત કાયમી ધોરણે બંધ થયેલ હોવાથી ગ્રેચ્યુઇટી ચુક્વવાપાત્ર થતી ન હોવાનું જણાવેલ હતું જેની સામે વક્તિ વિજયકુમાર પંડ્યાએ ધારદાર દલીલો કરી જણાવેલ હતું કે પોરબંદર શ્રમ આયુકતથી ઉપરની ઓથોરીટી એટલે કે જૂનાગઢ લેબર કોર્ટે જ્યારે સંસ્થાનો આવો મર્જ થયેલ હોવાથી જવાબદારીમાંથી છટકવાનો બચાવ માન્ય રાખેલ ન હોય ત્યારે નીચલી ઓથોરીટી સમક્ષ આવો બચાવ ટકી શકે નહીં. વળી, પોરબંદર-છાંયા નગરપાલિકામાં ધરમપુર પંચાયત મર્જ થયેલ હોવાથી જ્યારથી મર્જ થયેલ છે ત્યાં સુધીની તમામ જવાબદારી ત્યારબાદ પોરબંદર-છાયા નગરપાલિકાની રહેવા બાબતેનો ઠરાવ પણ મોજુદ છે ત્યારે હવે કાયમી વર્કરોની મરણમુડી ગણાતી ગ્રેચ્યુઇટી ન ચુકવી સામાન્ય અને નબળા કામદારોનું આર્થિક શોષણ વધુ કરી શકાય નહીં જે દલીલોને ધ્યાને લઇને ઓથોરીટીએ કામદારોને તાત્કાલિક રકમ ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે.