પોરબંદર પાલિકા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટિક અને ઘાસચારો જપ્ત કરી આ વસ્તુ નું વેચાણ કરતા ધંધાર્થીઓ પાસે થી ૧૩ હજાર થી વધુ નો દંડ વસુલવામાં આવ્યો છે.
પોરબંદર માં પાલિકા દ્વારા ૧૨૦ માઈક્રોનથી નીચે ઓછા પ્લાસ્ટિક બેગ તથા વિવિધ પ્લાસ્ટિકની આઇટમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આથી નગરપાલિકાના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના ઉપનિયમો તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ઉપનિયમોને ધ્યાને લઈ પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન જી. તિવારી ની સૂચના થી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તથા જુદા જુદા વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેકટરો દ્વારા પ્લાસ્ટિકની એજન્સી ધરાવતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦ માઈક્રોનથી ઓછી માઈક્રોન વાળી બેગ (જબલા) ગ્રાહકને વેચતા હોય, તેવા ૮ વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ રૂ. ૮૦૦૦ વસૂલ કરી ૧૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. તથા જાહેરમાં ઘાસ વેચતા લોકોને રૂ. ૨૫૦૦ નો દંડ કરી ૧૨૦ મણ ઘાસચારો જપ્ત કરાયો છે. એ સિવાય જાહેરમાં ગંદકી કરનાર ૩૨ લોકો સામે કાર્યવાહી કરી રૂ. ૧૦,૭૦૦નો દંડ વસૂલ કરેલ કરવામાં આવ્યો છે અને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થવા તથા કચરાને ડસ્ટબિનમાં એકઠો કરી નગરપાલિકાના ડોર ટુ ડોર વાહનમાં નાખવા જણાવ્યું છે અન્યથા નગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. ૧૦૦ થી લઈ રૂ. ૫૦૦૦ સુધીનો દંડ કરવાની પણ ચેતવણી આપી છે.