પોરબંદર મહાનગરપાલિકા ના ફૂડ વિભાગે લીમડા ચોક શાક માર્કેટ માં ચેકિંગ હાથ ધરી ૧૦૦ કિલો સડેલા ફળ,શાકભાજી નો નાશ કર્યો છે જયારે ફૂડ સેફટી ના નિયમો નું પાલન ન કરનાર ૩ ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર એચ કે પ્રજાપતિ ની સુચના થી મનપા ના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંજરાપોળ રોડ, એસ.વી.પી. રોડ, ભદ્રકાલી રોડ અને જયુબેલી રોડ વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી, આઇસ્ક્રીમશોપ, સોડાશોપ, ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન અને લારીમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને ફુડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી.
ચેકિંગ દરમ્યાન ૩ ધંધાર્થીને ત્યાં ફૂડ સેફટી ના નિયમો નું પાલન થતું ન હોવાનું સામે આવતા તેની પાસેથી રૂ.૩૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. તેમજ ફુડ સેફટી એકટ હેઠળના લાયસન્સ , રજીસ્ટ્રેશન વિના ધંધો કરતા ધંધાર્થીઓને લાયસન્સ મેળવી લેવા નોટીસ પાઠવી હતી. તેમજ લીમડા ચોક શાક માર્કેટમાં શાકભાજી તથા ફળોનું વેચાણ કરતા ધંધાર્થીઓનું ચેકીંગ કરતા
ખુલ્લા પડેલા, સડેલા, અતિ પાકેલા બિન આરોગ્યપ્રદ શાકભાજી અને કેળા, કેરી, તરબુચ, ટેટી સહિતના ફળો નો ૧૦૦ કિલો જથ્થો જપ્ત કરી નાશ કર્યો હતો અને વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.

