પોરબંદર મહાનગરપાલિકામાં વધુ એક આજીવન વાહન વેરા નો બોજ પણ લોકો પર ૨૩ જાન્યુઆરી થી આવશે. જે અંગે પરિપત્ર જાહેર થયો છે. બીજી તરફ રાજ્ય માં ક્યાય જુના વાહન પર મનપા દ્વારા આજીવન વાહન વેરો વસુલ કરવામાં આવતો નથી પરંતુ ગાંધીભૂમિ માં વસુલ થશે જેના પગલે લોકો માં રોષ જોવા મળે છે.
પોરબંદર પાલિકા નું ૧ જાન્યુઆરી થી મહાનગરપાલિકા માં રૂપાંતર થયું છે. જેને ૨૧ દિવસ થયા છે. વીસ દિવસ માં લોકો ને કોઈ સુવિધાઓ માં વધારો થયો નથી. ઉલટા નું અગાઉ લોકો ની સમસ્યા નું જે સમય માં નિરાકરણ થતું હતું તેના કરતા પણ વધુ વાર લાગે છે. શહેર માં સફાઈ,પાણી,ભૂગર્ભ ગટર ,સ્ટ્રીટ લાઈટ વગેરે ની સમસ્યાઓ યથાવત જોવા મળે છે. તેમ છતાં નવા નવા વેરાઓ અમલ માં આવી રહ્યા છે. તેમાં વધુ એક આજીવન વાહન વેરા નો ડામ પણ શહેરીજનોને તા ૨૩ જાન્યુઆરી થી સહન કરવો પડશે.
જે અંગે મનપા એ તમામ વાહન વિક્રેતા તથા આરટીઓ એજન્ટો ને પરિપત્ર પાઠવી જણાવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા આજીવન વાહન વેરાના નિયમો-૨૦૨૪ બનાવી સરકારની મંજૂરી માટે મોકલતા મંજૂર થયા છે. જેની અમલવારી તા. ૨૩- ૧-૨૫થી કરવાની થાય છે. જેમાં મહાનગરપાલિકામાં રહેતા કોઈપણ વ્યક્તિને નવુ કે જુનુ વાહન પોતાના નામે રજીસ્ટ્રેશન કરાવતી વખતે આજીવન વાહનવેરો મહાનગરપાલિકા ખાતે વસુલ કરવાનો થાય છે. જેથી તે મુજબ આજીવન વાહનવેરો ભરપાઇ કર્યા બાદ જ વાહન રજીસ્ટ્રેશન કરાવવા અંગે આગળની કાર્યવાહી કરવા સુચના અપાઈ છે.
જેમાં મનપાની હદમાં ખરીદવામાં આવતા તમામ વાહનોના માલિકો પાસેથી નિયમ- ૭ હેઠળ સિવાયના તમામ માલિકો પાસેથી તમામ પ્રકારના વાહનો ઉપર વેચાણ કિંમતના ૧% લેખે આજીવન વાહન વેરો વસુલ કરવાનો થાય છે. અને આ વેરા માં દર ત્રીજા વર્ષે ૧૦%નો વધારો થશે. તેમ પણ જણાવાયું છે. જેના પગલે લોકો માં રોષ જોવા મળે છે.
રાજ્ય માં એક માત્ર પોરબંદર મનપા જુના વાહન પર પણ આજીવન વેરો વસુલશે
વિવિધ આરટીઓ એજન્ટો એ એવું જણાવ્યું હતું કે રાજ્ય ની તમામ મનપા માં નવા વાહન ની ખરીદી પર આજીવન વાહન વેરો હોય છે. પરંતુ એક માત્ર ગાંધીભૂમિ જ રાજ્ય માં એવી મનપા છે. જે જુના વાહન પર પણ વેરો વસુલશે. જો કે આજીવન વેરો એ એક વખત જ વસુલવા નો હોવા છતાં જુના વાહનનું જયારે જયારે વેચાણ થશે. ત્યારે દર વખતે લોકો એ આ આજીવન વેરો ભરવો પડશે. જેના પગલે લોકો માં આક્રોશ જોવા મળે છે. પ્રાથમિક સુવિધાઓ આપી શકવા માં નબળી અને નિષ્ફળ નીવડેલ મનપા નવા નવા વેરા વસુલવામાં પાવરધી હોય તેમ નવા નવા વેરા વસુલતી જાય છે.
શું દર નક્કી કરાયો
ગીયરવારા તથા ગીયર વિનાના ટુવ્હીલર, સ્કુટર , મોપેડ વગેરે માં ૩૦૦રૂા., થ્રી-વ્હીલર રીક્ષા, થ્રી-વ્હીલર લોડીંગ ટેમ્પો માટે રૂા. ૫૦૦, મોટરકાર અને અન્ય ફોર વ્હીલર પેસેન્જર વાહનો માટે રૂા. ૮૦૦, અન્ય તમામ ફોર વ્હીલર માલવાહક વાહન (જે.સી.બી. મશીન સહિત) રૂા.૧૦૦૦, છ પેડાવાળા માલવાહકવાહન રૂા. ૧૫૦૦ રૂા, અને આ સિવાયના અન્ય ભારે માલવાહક વાહનો માટે રૂા. ૨૫૦૦નો વેરો ભરવો પડશે.