પોરબંદર આઈ. ટી. આઈ.ના તાલીમાર્થીઓએ આબેહૂબ બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ બનાવતા બિરદાવવામાં આવ્યા હતા.
આઈ. ટી. આઈ. પોરબંદરમાં દસ કરતાં પણ વધારે ટ્રેડ હાલ કાર્યરત છે. અહીં તાલીમ લીધેલા તાલીમાર્થીઓ વિવિધ પ્રકારની રોજગારલક્ષી તાલીમ મેળવી રોજગારી મેળવતાં હોય છે. તેમજ તાલીમના અંતે તાલીમાર્થીઓ દ્વારા ગ્રુપ પ્રોજેક્ટ બનાવીને પોતાનાં કૌશલ્યનું પ્રદર્શન કરતાં હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિન્સિપાલ એન. બી. કાથરોટિયા અને ફોરમેન .પી. એમ. ડાકી દ્વારા નવિનત્તમ પ્રોજેક્ટ કરવામાં આવે તેવું સૂચન કરેલ હતું.
આ સૂચન હેઠળ વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગૌરવ કે. ડોડીયા અને એસ. કે. બરંડા ના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓ અજય ગોકાણી, ગૌરવ મેઘનાથી, જગદીપ વાધેલા, રામ વાજા અને ક્રિશ બાદરશાહીએ બ્રહ્મોસ મિસાઇલની બે પ્રતિકૃતિ બનાવીને સૌ કોઈને અચંબિત કરી દીધા હતાં. પ્રત્યેક પ્રતિકૃતિની લંબાઈ ૯ ફૂટ, વ્યાસ ૬ ઇંચ તથા વજન 80 કિલોગ્રામ છે. પ્રોજેક્ટ વિષે વધુ માહિતી વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ગૌરવ કે. ડોડીયાએ આપતાં જણાવ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલ એ ભારતની બ્રહ્મપુત્રા નદી તથા રશિયાની મોસ્કવા નદીના જોડાણથી બનેલું નામ છે. બ્રહ્મોસ મિસાઈલએ ભારત દેશની શાન છે. 9 માર્ચ 2022 ના રોજ ભારતના હરિયાણા રાજ્યના સિરસામાંથી અકસ્માતે છૂટેલી બ્રહ્મોસ મિસાઇલ 124 કિલોમીટર દૂર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનેવાલ જિલ્લાના મિયાં ચન્નુંમાં માત્ર 3 મિનિટ 44 સેકંડમાં પહોંચી ગઈ હતી.
આ અકસ્માત બાદ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ બ્રહ્મોસ મિસાઇલને રોકવા અસમર્થ છે તેવું જગજાહેર થયું હતું. આમ, બ્રહ્મોસ મિસાઇલએ ભારત દેશનું નામ રોશન કર્યું હતું. બ્રહ્મોસનું અપડેટેડ વર્ઝન બ્રહ્મોસ 2.0 એ હાઇપરસોનિક મિસાઇલ છે જેને દુનિયાની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ રોકી શકે તેમ નથી. એટલે બ્રહ્મોસ મિસાઇલ એ ભારત દેશનું બ્રહ્માસ્ત્ર છે. તાલીમાર્થીઓ પણ અત્યાધુનિક ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક રસ દાખવે તે આશયથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. હાલ, બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ આઈ. ટી. આઈ.ના પટાંગણની શોભા વધારી રહ્યાં છે.