ગઈકાલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી પ્રસંગે, પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટી.બીના રોગમાં પૌષ્ટીક આહારની અગત્યતા ખુબ જણાય છે પરંતુ ગરીબ અને સ્લમ વિસ્તારમાં લોકોને પુરતો પૌષ્ટીક આહાર મળતો ન હોવાથી ટી.બી પેશન્ટને મુશ્કેલી અનુભવવી પડતી હોય છે, ત્યારે પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા એક પોષણ કિટ તૈયાર કરીને તેનુ નિઃશુલ્ક વિતરણ ટી.બી. ના દર્દીઓને કરવામાં આવ્યુ હતુ આટલુ જ નહિ આ દર્દીઓ ને દત્તક લઈને ૬ માસ સુધી પૌષ્ટીક આહાર પુરો પાડવાનો સંકલ્પ પણ કર્યો હતો..જેમાં ઘઉં નો લોટ, શિંગતેલ, ખજુર, ચણા,ગોળ ખિચડી, પ્રોટીન પાઉડર જેવા પૌષ્ટીક ખાદ્ય પદાર્થોની કિટ તૈયાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો.સીમા પોપટિયા એ જણાવ્યું હતું કે, ફાર્માસિસ્ટ એ આરોગ્ય સંભાળ ટીમના અત્યંત મહત્વપૂર્ણ સભ્ય છે. તેઓ દર્દીઓને યોગ્ય દવાઓ આપવા અને તેમની આડઅસરો વિશે માહિતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ દર્દીઓને સ્વસ્થ રહેવા માટે જરૂરી જીવનશૈલીના ફેરફારો વિશે પણ સલાહ આપે છે. તેઓ દર્દીઓની દવાઓનું સંચાલન કરવામાં અને તેની અસરકારકતા પર નજર રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પોષણ આહાર કિટ વિતરણ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. પિયુષ વાજા, જિલ્લા ક્ષય અધિકારી ડો.સીમા પોપટિયા, પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન ના હોદ્દેદારો, તમામ સરકારી હોસ્પિટલોના ફાર્માસિસ્ટો અને ટીબી હોસ્પિટલનો સ્ટાફ તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત દર્દીઓએ પૌષ્ટીક આહારની કિટ મેળવી તેમનું સ્વાસ્થ્ય જલદીથી સુધરશે તેવા ભાવ સાથે પોરબંદર ગવર્ન્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન નો આભાર વ્યક્ત કર્યો હતો.
ફાર્માસિસ્ટનો હેલ્થ કેર સિસ્ટમને મજબુત કરવામાં પાયાનો રોલ છે તે બાબત ફરીવાર ફાર્માસિસ્ટોની આ ઉજવણીથી પુરવાર થાય છે, ઉક્ત તમામ બાબતો પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશનના પ્રમુખ કિરણભાઈ જોષી ની યાદીમાં જણાવેલ છે.