પોરબંદરના માચ્છીમાર આગેવાનોએ ખારવા ચિંતન સમિતિ ના નેજા હેઠળ પાક કબ્જાની બોટો અને માચ્છીમારોને મુકત કરાવવા વિદેશમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી.
પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી અવાર નવાર પોરબંદર સહિત સૌરાષ્ટ્રની બોટોના અપહરણ કરી જાય છે. અને માછીમારો પણ વર્ષો સુધી જેલમાં સબડે છે. તેથી તેમની મુક્તિ માટે વિદેશમંત્રી જયકિશનને અને રાજ્યસભા ના સાંસદ શક્તિસિંહ ગોહિલ ને પોરબંદરના જીવનભાઈ જુંગી,ખીમજીભાઈ હોદાર, કાવ્ય જુંગી, મધુભાઈ સોનેરી, ઈશ્વરભાઈ, દીવથી છગનભાઈ અને કોડીનારથી બાલુભાઈ સોસા સહિતના આગેવાનો અને બહેનો એ ખારવા ચિંતન સમિતિ ના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવીને બોટ મુકિત માટે અને માછીમારોને વહેલી તકે છોડાવવા માટે માંગ કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ૧૧૮૮ બોટો અને ઇ.સ. ૨૦૧૬ થી ૨૦૨૨ સુધીમાં પકડાયેલા ૬૩૩ માછીમાર જેલમાં સબડે છે. તેમને તથા ૬ જુલાઈ ના રોજ પાક જેલ માં મૃત્યુ પામેલા ખલાસીને તાત્કાલીક છોડાવવા અપીલ કરી છે. વધુ માં જણાવ્યું છે કે પકડાયેલી બોટો માટે ઇ.સ. ૨૦૦૭ માં ૩૨૬ બોટોનું યુ.પી.એ. સરકારે રૂા. ૨૦ લાખનું સોફટ લોન પેકેજ જાહેર કર્યું હતું હતું. તેવી રીતે બાકી ૮૬૨ બોટો માટે રૂ।. ૫૦ લાખનું પેકેજ જાહેર કરવા માંગ કરી હતી.ઉપરાંત બોટોની કીમત રૂા. ૪૫ લાખ થી રૂા. પ૦ લાખ જેવી થાય છે. ગરીબ માછીમાર પકડયા બાદ તેમના પરિવારની આર્થિક અને સામાજીક જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. મૃત માછીમાર પરિવારનું રૂા.૧૦ લાખની સહાયની જાહેરાત થાય તેવી પણ માંગણી કરાઈ છે.