પોરબંદર જીલ્લા માં નવા ઉદ્યોગો માટે હયાત વિવિધ સુવિધાઓ અને તક અંગે ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા વેલકમ ટુ પોરબંદર નામનું બ્રોશર તૈયાર કરાયું છે. જે દેશ ના વિવિધ ઉદ્યોગપતિઓ ,મંત્રીઓ વગેરે ને મોકલવામાં આવ્યું છે. ઉપરાંત જીલ્લા ભાજપ ને પણ બ્રોશર મોકલી સહકાર ની અપીલ કરાઈ છે.
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અનિલભાઈ કારીયા તથા પ્રોજેક્ટ ચેરમેન પદુભાઇ રાયચુરા એ જીલ્લા ભાજપ પ્રમુખ સહીત ના આગેવાનો ને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે. કે પોરબંદર જીલ્લો અનેક પ્રકારની સુવિધાઓ ધરાવે છે કે જયાં કોઈ પણ મોટો ઉદ્યોગ જેમાં ૧૦-૨૦ હજાર કરોડનું રોકાણ હોય તે આવી શકે. છેલ્લા કેટલાંક વર્ષોથી જીલ્લાના ઓદ્યોગિક વિકાસમાં જોઈએ તેવી પ્રગતિ થઈ રહી જણાતી નથી. ઓરીયન્ટ એબ્રેસીવની માંદગીએ જીલ્લાનાં લોકોને ખૂબ નાસીપાસ કર્યા છે.
અલબત, કેટલાંક નાના ઉદ્યોગોની પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે, છતાં ધરમપુર જીઆઈડીસીમાં આશરે ૬૨૦ પ્લોટોમાંથી હજુ ઘણા પ્લોટો ખાલી પડેલા છે. નાના ઉદ્યોગોની ખૂબ મોટી સંભાવના હોવા છતાં આ બાબતે કોઈ પ્રગતિ થઈ શકતી દેખાતી નથી. આ બાબતે ડીસ્ટ્રીકટ ચેમ્બરે દેશનાં ૩૫૦ થી વધુ મોટા ઉદ્યોગપતિઓ ના એડ્રેસ ઉપર પોરબંદરનાં ખૂબ સારા ઔદ્યોગિક વાતાવરણ, સગવડતાઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઓ, લોકેશનનો લાભ લેવા માટે કોઈ જાયન્ટ ઉદ્યોગ અહીં સ્થાપવા માટે નિમંત્રણ આપ્યું છે. સાથે સાથે રેલ્વે, ડીફેન્સ, ટેક્ષટાઈલ્સ, ઉદ્યોગો વિગેરે ડીપાર્ટમેન્ટનાં મંત્રીઓને,ગુજરાત સરકારનાં પ્રધાનમંડળને પણ આ નિમંત્રણ મોકલ્યા છે.
આ માટે ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા ખૂબ જ પ્રયત્નોથી ” વેલકમ ટુ પોરબંદર” નામથી આકર્ષક, અનેક વિગતો આપતું બ્રોશર તૈયાર કરી સૌને મોકલવામાં આવ્યું છે જીલ્લામાં કોઈ મોટા ઉદ્યોગનું જો આગમન થાય તો તેનાં આધારિત અનેક એન્સીલરી નાના ઉદ્યોગો આપોઆપ શરૂ થઈ શકે. જે માટે જીલ્લા ભાજપ નો સહકાર પણ માંગ્યો છે. જેથી જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ મોઢવાડીયાએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.