ગુજરાત ના દરિયાકાંઠા થી ૮૦ કિમી દુર ફિશિંગ કરી રહેલી બોટ માં મધરાતે કાણું પડતા બોટ ડૂબવા લાગી હતી. આથી કોસ્ટગાર્ડ ની ટીમે તુરંત સ્થળ પર દોડી જઈ બોટ માં રહેલા 6 ખલાસીઓ નો બચાવ કરી બોટ નું સમારકામ હાથ ધર્યું હતું.
ભારતીય કોસ્ટગાર્ડ નું પોરબંદર ખાતે તૈનાત જહાજ આરુષ અરબી સમુદ્ર માં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. ત્યારે મોડી રાત્રે ચારેક વાગ્યે માંગરોળ ની ઓખા થી ઓપરેટ થતી ફિશિંગ બોટ હિમાલય માં પાણી ભરાયું હોવાથી ડૂબી રહી હોવાથી મદદ માંગવા માં આવતા શીપ દ્વારા તેનું લોકેશન તપાસ કરતા તે ગુજરાત ના દરિયાકાંઠા થી ૯૦ કિમી દુર હોવાની માહિતી મળી હતી.
આથી પેટ્રોલિંગ શીપ તુરંત ત્યાં જવા રવાના થઇ હતી. ત્યાં પહોંચ્યા બાદ એવું સામે આવ્યું હતું કે બોટ માં પાણી ભરાવા લાગ્યું હતું. અને આંશિક રીતે પાણીમાં ડૂબી ગઈ હતી. બોટ માં રહેલ છ ખલાસીઓ ના જીવન બચાવવાને પ્રાથમિકતા આપવાના પ્રયાસમાં સૌ પ્રથમ તમામ ખલાસીઓ ને પ્રથમ શિપ પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારપછી કોસ્ટગાર્ડ કર્મચારીઓએ સબમર્સિબલ પંપનો ઉપયોગ કરીને વધી રહેલા પાણી ના પ્રમાણને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જહેમત બાદ પાણી ને નિયંત્રિત કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન કોસ્ટગાર્ડ કર્મચારીઓએ બોટના ફિશ સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં એક કાણું જોયું હતું. જેનું પછીથી સમારકામ કરવામાં આવ્યું હતું. બે કલાકથી વધુની મહેનત બાદ બોટને કાર્યરત કરી ખલાસીઓ ને સોંપવામાં આવી હતી.