પોરબંદર ના સીટી ડીવાયએસપી નીલમબેન ગૌસ્વામી ની એકાએક બદલી ને લઇ ને અનેક ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આ બદલી પાછળ પોરબંદર ભાજપ ના યુવા નેતા નો જ હાથ હોવાની વાતો થઇ રહી છે.
પોરબંદર ના સીટી ડીવાયએસપી નીલમબેન ગૌસ્વામી ની બદલી સાણંદ ખાતે કરાઈ છે. તેમના સહીત રાજ્ય ના માત્ર બે જ ડીવાયએસપી ની એકાએક જાહેર હિત માં બદલી થઇ હોવાનો ઓર્ડર આવ્યો છે. જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે. કારણ કે સામાન્ય રીતે ડીવાયએસપી ની બદલી એકી સાથે થતી હોય છે. પરંતુ નીલમબેન ના બદલી ના ઓર્ડર માં જાહેર હિત માં બદલી થઇ હોવાનું જણાવાયું છે. જો કે તેની બદલી પાછળ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
જેમાં એક વાત એવી પણ છે કે તેમની બદલી પાછળ પોરબંદર ભાજપ ના જ એક યુવા નેતા નો હાથ છે. સમગ્ર ઘટનાક્રમ અંગે જાણીએ તો થોડા દિવસો પહેલા એક યુવતી નું તેના જ પરિવારજનો સાસરીયા માંથી અપહરણ કરી ગયા હતા. જે મામલે સાસરીયા અનુસુચિત જાતી ના હોવા છતાં આ મામલે યુવતી ના પરીવારજનો સામે એટ્રોસિટી ની કલમ પોલીસે લગાડી ન હતી. જે અંગે જાણ થતા ભાજપ ના આ યુવા નેતા પણ પોલીસ મથકે દોડી ગયા હતા. અને આ બનાવ માં જે રીતે અન્ય કેસ માં એટ્રોસિટી ની કલમ લાગે છે. તે જ રીતે આ બનાવ માં આરોપીઓ વિધર્મી છે. તેના પર પણ એટ્રોસિટી લગાડવી જોઈએ તેવું જણાવ્યું હતું.
તે સમયે ડીવાયએસપી નીલમબેને એક જ બનાવ માં બે અલગ અલગ ફરિયાદ ન થાય તેવું જણાવતા આ નેતા સાથે વિવાદ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યાર બાદ આ યુવા નેતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના નજીક ના હોવાથી તેઓએ ગાંધીનગર ખાતે ગયા ત્યારે તેઓની પણ રૂબરૂ મુલાકાત કરી હતી. અને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. તે સમયે ગૃહમંત્રી એ જ ડીવાયએસપી ની બદલી અંગે ખાતરી આપી હતી. અને થોડા જ દિવસ માં બદલી નો ઓર્ડર પણ નીકળ્યો હતો. તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. આ યુવા નેતા અગાઉ પોરબંદર માં ઉચ્ચ હોદા પર હતા ત્યાર થી જ હર્ષ સંઘવી સહિતના ટોચ ના નેતાઓ સાથે ઘરોબો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.