પોરબંદર પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ૧૬ ટીમો બનાવી રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે.
પોરબંદર તથા ઉપરવાસના જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. સતત વરસાદ વરસાદ દરમિયાન પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા પશુપાલન શાખાની ૧૬ ટીમોએ રસીકરણ સહિતની વિવિધ કામગીરી હાથ ધરી હતી.
ભારે વરસાદના પગલે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત પશુપાલન શાખાના અધિકારી ડો. આઈ.એસ. ગેહલોતની ટીમ ચાલુ વરસાદમાં પણ પશુઓને રસીકરણ સહિતની કામગીરી કરી રહી છે. જિલ્લા પંચાયતની પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષક સહિતની ૧૬ ટીમો દ્વારા વરસતા વરસાદ વચ્ચે પશુઓને જરૂરી સારવાર તેમજ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. પશુઓમા રોગચાળો ન ફેલાય અને પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પશુપાલન શાખાના પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પોરબંદરના પાંજરાપોળ, વિવિધ ગૌશાળાઓ અને પશુપાલકોની મુલાકાત લઈ જરૂરી સારવાર, રસીકરણ તથા જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વધુમાં કોઈ પશુ મરણ હોય તો સબંધિત તાલુકામાં જાણ કરવા જણાવ્યું છે તથા કોઈપણ પ્રકારની પશુ સારવારની જરૂરિયાત માટે ૧૯૬૨ હેલ્પલાઈન સંપર્ક કરવાથી ઘર બેઠા સારવાર થઈ શકશે. પશુપાલન ખાતાના અધિકારી, કર્મચારીનો સંપર્ક કરી પશુઓની સારવાર તથા રસીકરણની કામગીરી કરાવી શકશે. આ તમામ કામગીરી નાયબ પશુપાલન નિયામક કચેરી, જિલ્લા પંચાયત, પોરબંદર અને તેમના તાબા હેઠળના પશુ સારવાર કેન્દ્રો અને ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના કેન્દ્ર મારફતે હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.