ગુજરાત માં યોજાયેલી ૧૩ પૈકી માત્ર ૨ ચૂંટણીઓ માં પોરબંદર જીલ્લા માંથી રાજકીય પક્ષે મહિલા ને ટીકીટ આપી હતી. જેમાં જીલ્લા ના ઈતિહાસ માં એક માત્ર મહિલા ધારાસભ્ય બન્યા હતા.
એક તરફ રાજકીય પક્ષો દ્વારા ગુજરાત સહીત દેશભર માં મહિલા સશક્તિકરણ અને મહિલા અનામત ના બણગા ફૂંકવામાં આવે છે. અને સ્ત્રી ને પણ પુરુષ સમાન ગણવાના ગાણા ગાવા માં આવે છે. પરંતુ વાત જયારે મહત્વ ની ચૂંટણી માં મહિલા ને ટીકીટ આપવાની હોય ત્યારે મોટા ભાગ ના રાજકીય પક્ષો પાણી માં બેસી જતા હોય છે ..વાત કરીએ ગાંધી અને સુદામા નગરી પોરબંદર ની ..
અહી ૧૯૬૨ થી ૨૦૨૨ સુધી માં વિધાનસભા ની કુલ ૧૩ ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં માત્ર બે વખત રાજકીય પક્ષો એ મહિલા ને ટીકીટ આપી છે. જેમાં એક વખત જનતા દળ તથા એક વખત ભાજપે મહિલા ને વિધાનસભા ની ચૂંટણી માટે ની ટીકીટ આપી હતી.
જેમાં ૧૯૯૦ માં કુતિયાણા બેઠક પર જનતાદળ દ્વારા સંતોકબેન જાડેજા ને ટીકીટ અપવામ આવતા તેઓએ કુલ ૪૮૭૭૯ મત માંથી ૪૧૯૦૯ મત એટલે કે કુલ મત ના ૮૫.૯૮ ટકા મત મેળવી તેઓએ કોંગ્રેસ ના લક્ષ્મણભાઈ આગઠ ને હરાવી જીત મેળવી હતી. તો બીજી તરફ ૨૦૦૭ માં ભાજપે પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા ના પત્ની શાંતાબેન ને ટીકીટ આપી હતી. પરંતુ તેઓ કોંગ્રેસ ના અર્જુનભાઈ મોઢવાડિયા સામે ૯૬૧૬ મતે હાર્યા હતા.
પોરબંદર જીલ્લા માં કોંગ્રેસે અત્યાર સુધી ની વિધાનસભા ની ચૂંટણી માં એક પણ બેઠક પર મહિલા ને ટીકીટ આપી નથી. આ વખતે પણ બન્ને બેઠક પર પુરુષ ઉમેદવારો ને જ ટીકીટ આપી છે. આ વખતે પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એ બે માંથી એકેય બેઠક પર થી મહિલા ને ટીકીટ આપી નથી. ભાજપ દ્વારા ઉમેદવાર ની જાહેરાત કરવાની બાકી છે. ત્યારે ભાજપ બે માંથી એકેય બેઠક પર મહિલા ને ટીકીટ આપે છે કે નહી તે થોડા દિવસો માં સ્પષ્ટ થઇ જશે.
અત્યાર સુધી માં ૧૧ મહિલાઓ એ અપક્ષ ઉમેદવારી નોંધાવી:
અપક્ષ મહિલા ઉમેદવાર ની વાત કરીએ તો ૧૯૬૨ થી અત્યાર સુધી માં ૧૧ મહિલાઓ એ વિવિધ ચૂંટણીઓ માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ૧૯૮૦ માં પોરબંદર બેઠક પર ૨ મહિલાઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. ૧૯૯૦માં પણ પોરબંદર બેઠક પર થી એક મહિલા એ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. જયારે ૧૯૯૫ માં પોરબંદર બેઠક પર થી ૫ મહિલા અને કુતિયાણા બેઠક પર એક મહિલા એ અપક્ષ માં ચૂંટણી લડી હતી. ૧૯૯૮ માં પણ પોરબંદર અને કુતિયાણા બેઠક પર એક એક અપક્ષ મહિલા એ ચૂંટણી લડી હતી. જો કે અપક્ષ માં લડનાર તમામ મહિલા ઉમેદવારો ની હાર થઇ હતી.