પોરબંદરના માણેકચોકમાં ૨૭ વર્ષથી ગેરકાયદે રીતે દુકાનનો કબ્જો જમાવીને ધંધો કરનાર વાસણ ના વેપારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના એસ.ટી. રોડ પર લલીત મેન્શન ખાતે રહેતા અને માણેકચોકમાં ઠા. છગનલાલ ગોવિંદજી ગાંધી નામની અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા દિવ્યેશભાઈ લલીતકુમાર મદલાણી(ઉવ ૪૮)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના દાદા છગનલાલ ગોવિંદજીએ ઇ.સ. ૧૯૪૨ની સાલમાં માણેકચોકમાં સંયુકત માલિકીનું કબ્જા ભોગવટાવાળુ મકાન ખરીધુ હતુ. અને ત્યારબાદ વારસાયીથી તે મિલ્કત દિવ્યેશભાઈના પિતા લલીતકુમારના નામે થઇ હતી. અને પિતાની તબીયત બરાબર રહેતી ન હોવાથી ૨૦૨૨માં પાવર ઓફ એટર્ની દિવ્યેશના નામે કરી આપી હતી.
દિવ્યેશના પિતાએ તા. ૧-૫-૧૯૮૧થી માણેકચોકની એક દુકાન અમૃતલાલ વૃજલાલ કંસારાને ૭૫ રૂાના માસિક ભાડે આપી હતી. અને વેરો પણ અમૃતલાલના નામે નગરપાલિકામાં ભરવામાં આવે છે. અમૃતલાલ . ૩-૩-૧૯૯૬ના મૃત્યુ પામ્યા બાદ તેના પુત્ર લલીત અમૃતલાલ કંસારાએ દુકાનની ભાડાચીઠ્ઠીમાં નામફેર કરવાની કાર્યવાહી કર્યા વગર દુકાનમાં ગેરકાયદે કબ્જો કરી લીધો હતો અને અમૃતલાલના ભળતા નામથી એટલે કે ‘અમૃતલાલ વી. કંસારા’ના નામે વાસણનો ધંધો ચાલુ કરી દીધો હતો. આથી ગેરકાયદે કબ્જો જમાવવા બદલ દીવ્યેશે સામે જિલ્લા કલેકટરની કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી. જેની સામે લલિતે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઇકોર્ટે એ અરજી ખારીજ કરી હતી. આથી કલેકટરને કરેલી અરજી અનુસંધાને તપાસના અંતે પોલીસ ફરિયાદ કરવા માટે દિવ્યેશને સુચના અપાતા તેણે લલીત વિરુધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.