ઓડદર ગામના શખ્સે તેના સાગરીતો સાથે મળી ચાર વર્ષ પૂર્વે એક યુવાન ને ધમકાવી તેની પાસે ૧૨ લાખ ની ખંડણી લઇ સમગ્ર પરિવારને ગામ મુકાવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઓડદરની રામખડા સીમની વાડીએ રહેતા અને અમદાવાદની દરબાર ઇન્પેક્સ નામની ખાનગી કંપનીની કર્ણાટક ખાતેની બ્રાંચમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મસરી લાખણશીભાઈ ઓડેદરા(ઉવ ૩૨) એ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ઈ.સ.૨૦૧૯ ની સાલમાં નોરતા પુરા થયા ત્યારે નવમાં મહિનામાં ઓડદર ગામની પ્રાથમિક પે સેન્ટર શાળાના કમ્પાઉન્ડમાંથી પોલીસે વિદેશીદારૂનો ખુબ જ મોટો જથ્થો પકડી પાડ્યો હતો. અને આ દારૂ ઓડદરના બાવન રાણા છેલાણાનો હોવાનું બહાર આવ્યું હતું,આથી આ બનાવના સમાચારની લીંક વોટ્સએપ ગ્રુપમાં શેર થઇ હતી,આથી મસરીના નાનાભાઈ અરજને જે તે વખતે એ સમાચારની નીચે કોમેન્ટ કરી હતી કે,”દારૂ પકડાયો એ સારી બાબત કહેવાય”આ કોમેન્ટનો સ્ક્રીનશોર્ટ વોટ્સએપ ગ્રુપના કોઈ મેમ્બરે દારૂ પકડાયો તે પરીવારના રમેશ છેલાણાના ગ્રુપને શેર કર્યો હતો.
ત્યારબાદ દિવાળી પહેલા મસરી મહારાષ્ટ્રમાં નોકરીએ હતો ત્યારે તેની માતા મુંધીબેને ફોન કરીને એવું જણાવ્યું હતું કે,રમેશ ભીખા છેલાણા અને તેના ગ્રુપના અંદાજે ૧૫ થી ૨૦ માણસો ત્રણ કાર અને એક ખુલ્લો બોલેરો લઈને ઘરે આવ્યા હતા. જેમાં રમેશ ભીખા છેલાણા,કાના રાણા છેલાણા,બધા ભીખા છેલાણા,આલા બધા છેલાણા,સરમણ છેલાણા અને બીજા અજાણ્યા માણસો લાકડાના ધોકા લઈને આવી પહોચ્યા હતા અને મસરીની માતા મુંધીબેનને “અરજન ક્યાં છે તેણે અમારો દારૂ પકડાવ્યો છે જેથી આજે તેને પતાવી દેવો છે”કહી ગાળો દઈને બારી-દરવાજામાં ધોકા પછાડી જતા રહ્યા હતા,આ વાત મસરીએ તેના પિતા લાખણશીભાઈ અને બન્ને નાના ભાઈઓ અરજન અને પરબતને કરી હતી,અને આ શખ્સોના ડરથી ત્રણે ભાઈઓ અને તેના પિતા અલગઅલગ જગ્યાએ કામઅર્થે જતા રહ્યા હતા અને ઓડદર ઘરે આવતા ન હતા,તેથી તેની માતા મુંધીબેન એકલા જ ઘરે રહેતા હતા.
આ બનાવના ત્રણ દિવસ પછી ફરીથી માતા મુંધીબેને મસરીને ફોન કર્યો હતો કે,ફરીથી ત્રણ-ચાર અજાણ્યા માણસો ઘરે આવ્યા હતા અને પોલીસ ફરીયાદ કરશો તો પતાવી દેશું તેમ ધમકી આપીને જતા રહ્યા હતા.
ત્યારબાદ ચાર દિવસ પછી ફરી માતા મુંધીબેનનો ફોન આવ્યો હતો કે રમેશ છેલાણા,કાના છેલાણા અને બીજા પાંચ-છ અજાણ્યા માણસોએ ધોકા મારીને દરવાજો ખોલાવ્યો હતો,અને એ શખ્સોએ ઘરમાં તોડફોડ કરી હતી રમેશે તેની પાસે રહેલા હથીયારથી ઓસરીની લાદીમાં ત્રણ-ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને “અમારે અરજનને મારી નાખવો છે,તેવી ધમકી આપીને જતા રહ્યા હતા,આથી આ શખ્સોના ત્રાસને લીધે ત્રણે ભાઈઓ અને તેના માતા-પિતાએ ઓડદર ગામ છોડી દીધું હતું,અને માતા-પિતા કડછ ગામે મસરીના મામા લીલાભાઈના ઘરે રહેવા જતા રહ્યા હતા,અને ત્રણે ભાઈઓ અલગ-અલગ નોકરીએ જતા રહ્યા હતા.
ફરીયાદમાં જણાવ્યું છે કે,ઘરે બાંધેલી સાત જેટલી ભેસો અને પાડીઓને નિરણ નાખવા માટે પણ તેમનો પરિવાર જઈ શકે તેમ ન હતો,આથી આ સાત પશુઓ તેઓ વેચવા માંગતા હતા,પરંતુ એ પશુઓ કોઈ ખરીદે નહી તે રીતે ડર બતાવીને છેલાણા પરિવારના સભ્યોએ કડછ ખાતે રહેતા કારાભાઈ રબારીને માત્ર ૫૦.૦૦૦ રૂપિયામાં સાતે ભેસો વેચાવી નખાવી હતી.
ઓડદર ગામના ભીખા હાજા ઓડેદરા ઉર્ફે ભીખો લાલિયા સાથે ફરીયાદી મસરીને પરિચય હતો તેથી ફરીયાદીના પિતા લાખણશીભાઈએ છેલાણા પરિવારના સભ્યોના ત્રાસની વાત કરી હતી,ભીખાને રમેશ છેલાણા અને કાના છેલાણા સાથે સારા સબંધો હતા તેથી તેણે એવું જણાવ્યું હતું કે,હું એ લોકો સાથે વાતચીત કરીને તમને જણાવું,આથી એ લોકો સાથે વાતચીત કરતા સમાધાન માટે બાર લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું,તેથી લાખણશી ભાઈએ બે કટકે બાર લાખ રૂપિયા ભીખાને આપ્યા હતા જેમાં એક વખત છ લાખ રૂપિયા રમેશ છેલાણાના ઘરે ભીખાની હાજરીમાં રમેશને આપવામાં આવ્યા હતા અને બીજા છ લાખ રૂપિયા ચાર મહિના પછી ભીખાને આપવામાં આવ્યા હતા,આમ બાર લાખ રૂપિયાની ખંડણી પડાવી હતી.
આ પોલીસ ફરીયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,ફરીયાદ મોડી કરવાનું કારણ એવું છે કે,રમેશ ભીખા છેલાણા તથા તેના ગ્રુપની ઓડદર તથા તેના આજુબાજુના વિસ્તારમાં ધાક હોવાથી પોતાનું જીવવું હરામ કરી દેશે તેવા ડરના કારણે ફરીયાદ નોંધાવી ન હતી,પરંતુ હવે ગુન્હો નોંધવામાં આવ્યો છે ત્યારે પોલીસે આ બનાવમાં ખંડણી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
				
															














