કુતિયાણામાં ધંધા માટે પૈસા લેનાર યુવાનના મકાન અને દુકાનના દસ્તાવેજ લઇ લેનાર શખ્સે માતા અને પુત્રને ધમકી આપતા માતા એ ફિનાઈલ પી લીધું હતું. ત્યાર બાદ ધમકી આપનાર શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
કુતિયાણાના જલારામ મંદિર પાસે નાની ખત્રીવાડ પાસે રહેતા સરલાબેન દીલીપભાઈ રાયચુરા(ઉવ ૫૬)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેના પુત્ર સમીરને ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી દોઢ વર્ષ પહેલા કુતિયાણાના વાડી વિસ્તારમાં રહેતા તેના મિત્ર સુદા ભામા રૈયા પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા લીધા હતા. અને સુદા એ પૈસાની અવેજમાં મકાન-દુકાનના અસલ દસ્તાવેજ લઇ લીધા હતા. દોઢ મહિના પહેલા સમીરે સુદા પાસેથી લીધેલ રકમ માંથી દોઢ લાખ આપી દીધા હતા. અને બે લાખ આપવાના બાકી હતા. તા. ૩ એપ્રિલના સુદાએ સમીર પાસે પૈસાની ઉધરાણી કરતા સરલાબેને સુદાને ફોન કરીને ‘તુ અને સમીર મિત્રો છો. અમે તારા બાકી રહેલા બે લાખ રૂપિયા આપી દઇશું.’ તેવું કહેતા સુદાએ “ મારે હવે રૂપિયા નથી જોઈતા પણ દુકાન અને મકાન જોઈએ છે.
આથી સરલાબેને તેને મકાન-દુકાન મરણમૂડી હોવાથી તે નહી પરંતુ બાકી રકમ આપી દેશે તેવું જણાવતા સુદો જેમતેમ બોલી અને સરલાબેન ને ધમકાવતા સરલાબેને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ માતા-પુત્રને રૂબરૂ મળીને સુદાએ ધમકી આપી મકાન-દુકાનના દસ્તાવેજ તેના નામ કરવાનું કહ્યું હતું. આથી તેનાથી બીક લાગતા સરલાબેને ફીનાઈલ પી લીધુ હતું અને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે દાખલ કર્યા બાદ તેણે સુદા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.