અમરદડ ગામે રામદેવપીરની પ્રસાદીના કાર્યક્રમમાં સંતવાણીનું આયોજન કરાયું હતું જેમાં એક શખ્સે લાયસન્સવાળા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વિંઝરાણા ગામે રહેતા કોન્ટ્રાકટર જેઠાભાઈ ભનાભાઈ ચાવડાએ રાણાવાવ પોલીસમથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા. ૧૦ના અમરદડ ગામે રામદેવપીરની પ્રસાદીનું આયોજન થયુ હતુ અને રાત્રિના સમયે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેઠાભાઈના સસરા અમરદડ ગામે રહેતા હોવાથી તેઓ સંતવાણીમાં હાજરી આપવા ગયા હતા. અમરદડ ગામમાં જ રહેતો ડાયા વશરામ પીપરોતર સંતવાણીના કાર્યક્રમમાં પોતાનું હથિયારવાળુ લાયસન્સ લઇને આવ્યો હતો અને સવાબાર વાગ્યા આસપાસ તેણે પોતાના હાથમાં રહેલુ હથિયાર આકાશ તરફ રાખીને હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ.
આથી સંતવાણીમાં હાજર લોકો ડરી ગયા હતા અને મૂળ અમરદડ તથા હાલ પોરબંદરના નરસંગ ટેકરીમાં રહેતા જયેશભાઈ ત્રિકમભાઈ ડોડીયાએ તેને હવામાં ફાયરીંગ ન કરવા સમજાવ્યા હતા. આથી ડાયાભાઈ પોતાનું હથિયાર લઇને ત્યાંથી જતા રહ્યા હતા. થોડા સમય માટે ભજનનો પ્રોગ્રામ પણ બંધ કરવો પડયો હતો. ત્યારબાદ જેઠાભાઈ વિંઝરાણા ગામે ચાલ્યા ગયા હતા. ડાયાએ પોતાના હથિયાર વડે ફાયરીંગ કર્યુ તેનો ફોટો કે વીડિયો તેની પાસે નથી પરંતુ ત્યાં હાજર હજારો લોકોએ આ બનાવ નજરોનજર જોયો હતો. આથી લાયસન્સવાળા હથિયારની શરતોનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે જેઠાભાઈ એ ગત તા ૧૪મી મેના આ મામલે પોલીસ ને ફરિયાદ અરજી આપી હતી ત્યાર બાદ પોલીસે તેઓને જ ફરીયાદી બનાવી ગુન્હો નોંધ્યો છે.