કિંદરખેડાની કરાર સીમમાં આવેલા એક કૂવામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા અજાણી માતા સામે પાપ છુપાવવા મૃતદેહ નો નિકાલ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ ના પગલે નાના એવા કિંદર ખેડા ગામે અરેરાટી વ્યાપી છે.
કિંદરખેડા ગામની કરાર સીમ વિસ્તારમાં રહેતા સાજણભાઈ કાનાભાઈ મોઢવાડિયાએ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના પુત્ર સતીશે ફોન કરીને જાણ કરી હતી કે, ધારડીવાળા ખેતરમાં આવેલા કુવામાં એક તાજુ નાનું જન્મેલું બાળક નગ્ન અવસ્થામાં પાણીમાં દેખાઈ રહ્યું છે. આથી તેઓ તુરંત વાડીએ દોડી ગયા હતા અને કુવાના કાંઠે જઈને જોયું તો નવજાત બાળક પાણીમાં તરતું દેખાયું હતું. તેથી તેઓએ ફાયર ટીમ ને જાણ કરતા ફાયર ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને પોલીસ તથા સ્થાનિકો પણ પહોંચી ગયા હતા.
ફાયર ટીમે કૂવામાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢી લાઈટના અજવાળે તપાસ કરતા તાજા જન્મેલા બાળકની જાતિ પુરૂષ હોવાનું જાણવા મળ્યું હતું. આથી મૃતદેહને પીએમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ સાજણભાઈએ અજાણી સ્ત્રી સામે પોતાના બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે મૃતદેહ છૂપી રીતે કુવામાં નાખી દઈને નિકાલ કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવ ના પગલે નાના એવા કિંદરખેડા ગામે અરેરાટી વ્યાપી છે.