દેગામ ગામે રહેતી એક વિધવા મહિલાના દાગીના અને તેના પતિના નામનું ટ્રેક્ટર અને ટ્રોલી તેની સાસુ અને દિયર ઓળવી જતા છેતરપિંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દેગામ ગામની પંચાયત ઓફિસ પાસે રહેતા લીલુબેન રાજાભાઈ ઓડેદરા(ઉવ ૪૮) નામના મહિલાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના ગોસા ગામે રહેતા પતિ રાજાભાઈ લીલાભાઈ ઓડેદરા વર્ષ 2016 માં મૃત્યુ પામ્યા હતા. તેઓને સંતાનમાં કાંઈ જ નથી. અને હાલ તે દેગામ ખાતે પિતાના ઘરે રહે છે.
૨૫ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. અને તેમના પરિવારમાં દીયર જીવાભાઈ લીલાભાઈ તથા સાસુ સુંદરબેન અને દેરાણી હીરાબેન માલદેભાઈ ઓડેદરા જ્યાં રહેતા હતા એ પતિના નામના મકાનમાં ઉપરના માળે ફરિયાદી નો માલ સામાન રાખેલો હતો જેથી લીલુબેને ત્યાં તાળું મારી દીધું હતું.
લીલુબેન ના પતિ રાજાભાઈ લીલાભાઈ ઓડેદરા અચાનક બીમાર પડતા સોનાના દાગીના અને ચેન સહિત કંઠી વગેરે મળી 34 ગ્રામ વજન હતું તથા સોનાની હાંસળી જેમાં પાંદડીમાં આર લખેલ છે જે આશરે પોણા ચાર તોલા વજનની હતી આ બધા જ દાગીના લીલુબેને સાસુ સુંદરબેન પર વિશ્વાસ કરીને તારીખ 27 /8 /2016 ના બે ચાર દિવસ પહેલા સાચવવા આપ્યા હતા અને પછી પતિની સારવાર કરાવતી હતી એ દરમિયાન વર્ષ 2016 માં જ પતિ મૃત્યુ પામ્યા હતા.
લીલુબેન ના પતિ રાજાભાઈ નું મૃત્યુ થયા બાદ તેઓ ત્યાં એકલા જ રહેતા હતા અને પતિના મકાનમાં સાસુ દિયર અને દેરાણી રહેતા હતા આથી પતિના નામનું મકાન ખાલી કરી પાછું આપવા માટે લીલુબેને કહેતા એ ત્રણેય લોકોએ મકાન ખાલી કર્યું ન હતું . એટલું જ નહીં પરંતુ સાચવવા આપેલા દાગીના પણ આપવાની સાસુ સુંદર બેને ના પાડી હતી પતિના નામનું ટ્રેક્ટર અને ટ્રોલી હતા જે દિયર જીવા લીલા ઓડેદરા પાસે કબજામાં હતા જે પણ આપ્યા ન હતા આથી આ બધા લોકોથી કંટાળીને લીલુબેન માવતરે રહેવા જતા રહ્યા હતા અને પતિના મૃત્યુ બાદ જમીનમાં તેનું તથા સાસુનું નામ વારસદાર માં દાખલ થયેલ હતું જેની અરજી કરતાં સાસુનું નામ જમીન દસ્તાવેજ માંથી કમી થયું હતું અને જમીનનો કબજો મેળવવા માટે લેન્ડગ્રેબીંગમાં લીલુબેને અરજી પણ કરી છે.
આથી અંતે નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં લીલુબેને છેતરપીંડીની ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે બે લાખ 80 હજારના દાગીના સાસુને સાચવવા માટે આપ્યા હતા તથા ૭૦ હજાર રૂપિયાનું ટ્રેક્ટર અને ટ્રોલી સહિત 3,50,000 ના દાગીના અને વાહન નહીં આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા છે તેમ જણાવીને તેણે સાસુ સુંદરબેન લીલા ઓડેદરા અને દિયર જીવા લીલા ઓડેદરા સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.