પોરબંદર ના વિસાવાડા ગામે બે દાયકા થી જમીન પર ગેરકાયદે કબ્જા અંગે દંપતી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વિસાવાડા ગામે વણકરવાસમાં રહેતા અને ખેતીકામ કરતા કેશવભાઈ ગોવિંદભાઈ શીંગરખિયા(ઉવ ૫૩)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ મરસીયા સીમમાં તેની માલિકીની ખેતીની જમીન આવેલી છે. વર્ષ ૨૦૦૩ માં તેમના પાડોશી રામભાઈ વસતાભાઈ કેશવાલા અને તેના પત્ની ટમુબેને કેશવભાઈની જમીનમાં સેઢાને તોડીને જમીન ખેડી તેના પર મકાન બનાવી આશરે બત્રીસ ગુંઠા જમીનમાં પેશકદમી કરી ખેતીકામ દ્વારા આર્થિક ઉપજ પણ મેળવતા હતા.
કેશવભાઈ એ બન્ને ને વારંવાર સમજાવવા છતાં જમીનનો કબ્જો સોંપ્યો ન હતો, તેથી બન્ને વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને અરજી કરી હતી. અને ઉચ્ચકક્ષાએથી મંજુરી મળતા રૂ.છ લાખ આઠ હજારની જમીન પચાવી પાડવા અંગે ગુન્હો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે