પોરબંદર ના નાગકા અને દેગામ ગામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ માં રૂ ૧ કરોડ ની ખેતીની જમીન પર લેન્ડ ગ્રેબિંગ કરવા અંગે ૪ શખ્સો સામે ગુન્હો નોંધાયો છે.
પોરબંદર ના એરપોર્ટ સામે નંદ આનંદ એપાર્ટમેન્ટ ના રૂમ નં ૫૦૧ માં રહેતા શીતલબેન રાજુભાઈ રાણાવાયા (ઉવ ૩૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ નાગકા ગામે રહેતા ભીમાભાઇ માલદેભાઈ રાણાવાયા તથા માલદેભાઈ અરભમભાઈ રાણાવાયા એ શીતલબેન ની નાગકા ગામની સીમમાં આવેલ આઠ વીઘા ખેતીની જમીન જેના બજારભાવ મુજબ આશરે કિં.રૂા.૫૬,૦૦,૦૦૦ ની મીલ્કત પર તા ૧-૧-૨૦૧૫ થી ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. અને શીતલબેન ની સ્વતંત્ર માલીકીની ખેતીની જમીન પચાવી પાડી હતી. અને ભીમાભાઇ એ શીતલબેન ને ફોનમાં જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. અને જમીન ભૂલી જવાનું જણાવી તે જમીન પર આવશે તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક ફરિયાદ માં પોરબંદર ના બોખીરા વિસ્તાર માં બસ સ્ટેન્ડ સામે રહેતા દેવશીભાઈ મુળુભાઈ ઓડેદરા (ઉવ ૬૫)નામના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ દેગામ ગામે રહેતા પરબત મુરુભાઈ ચુંડાવદરા તથા કાના મુરુભાઈ ચુંડાવદરા એ દેગામ ગામની સીમમાં આવેલ દેવશીભાઈ ની ખેતીની જમીન માંથી આશરે ચારેક વીઘા જેટલી જમીન જેની બજારભાવ મુજબ કીમત આશરે રૂા.૪૦,૦૦,૦૦૦ છે તેના પર ગત તા ૩૦-૪-૨૦૧૨ થી ગેરકાયદે કબ્જો જમાવી પચાવી પાડી હતી. અને દેવશીભાઈ પોતાની જમીનમાં ખેડ-કામ કરવા ગયા ત્યારે બન્ને શખ્સો એ તેઓને જેમ ફાવે તેમ ગાળો કાઢી જમીનમાં પગ મુકશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.