પોરબંદર સિવિલ હોસ્પિટલ માંથી બાઈક ચોરી નો આરોપી નાસી ગયો હતો જેને પોલીસે ઝડપી લીધો છે. તે સિવાય અન્ય બે આરોપીઓ ને પણ પોલીસે પકડી લઇ ૨ બાઈક ચોરી ના ભેદ ઉકેલ્યા છે.
કુતિયાણા પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળી હતી કે ખુનપુર ગામ તરફ જતા રસ્તે બે મોટર સાઇકલ સાથે ત્રણ ઇસમો ભાગમભાગી કરતા જતા જે ખુનપુર તરફ જતા રસ્તે પુલ પાસે એક બાઇક ચાલક બાઇક મુકીને તથા અન્ય એક બાઇક પર બે ઇસમો બાઇક સાથે પુલ નીચે પડી ગયેલ છે તેવી હકિકત મળતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ કરતાં ત્રણ શખ્સો બે બાઈક સાથે હાજર હતા જેથી ત્રણેય શખ્સો ની પુછપરછ કરતાં આરોપીઓએ બન્ને બાઈક ચોરી કરેલા હોવાની કબુલાત આપી હતી.
જેમાં (૧) હીરો કંપનીનું સ્પ્લેન્ડર મો.સા રજી નં.GJ-37-C-8549 વાળુ થોડા દીવસ પહેલા ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી ચોરી કરેલાનું જણાવ્યું હતું જેની કી.રૂ.૧૫૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ બીજું બાઈક (૨) હીરો કંપનીનું સ્પ્લેન્ડર મો.સા રજી નં.GJ-25-R-2999 વાળુ વનાણા રોડ, પર આવેલ દ્વારકાધીશ હોટેલેથી ચોરી કરેલાનું જણાવેલ હોય જેની કી.રૂ.૧૫૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કર્યું હતું તેમજ ત્રણેય આરોપીઓ (૧) અર્જુન ભુપતભાઇ વાઘેલા રહે.કુતિયાણા બાયપાસ પાસે ઝુપડપટ્ટીમાં, તા.કુતિયાણા જી.પોરબંદર (૨) રાજુ કારુભાઈ વાઘેલા રહે. ધરમપુર પાસે ઝુપડપટ્ટી વિસ્તારમાં,જી.પોરબંદર (૩) ભરત ઉર્ફે હરીયો બાબુભાઇ બાબુભાઇ પરમાર રહે.હેલાબેલીગામ તા.કુતિયાણા જી.પોરબંદર ની ધરપકડ કરી હતી જેમાં બે આરોપીઓ રાજુ કારુભાઈ વાઘેલા તથા ભરત ઉર્ફે હરીયો બાબુભાઇ બાબુભાઇ પરમાર ને ઇજા થઇ હોવાથી સારવાર અર્થે પોરબંદર ની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
જેમાંથી રાજુ કારું વાઘેલા હોસ્પિટલ માંથી પોલીસ ને ચકમો આપી નાસી છુટ્યો હતો જેને મોડી સાંજે પોલીસે ઝડપી લેવામાં સફળતા મેળવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે આરોપી હોસ્પિટલ માંથી નાસી ગયો હોવા અંગે પોલીસે કોઈ વિધિવત જાહેર કર્યું ન હતું કે પોલીસ ચોપડે પણ મોડી સાંજ સુધી કોઈ નોંધ થઇ ન હોવાનું જાણવા મળે છે જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે.