પોરબંદર ચોપાટી એ આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે કવી સંમેલન અને હાસ્ય દરબાર નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
રવિવારની ઢળતી સાંજે ચોપાટી ખાતે આવેલ ગાંધી સ્મૃતિ ભવનમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ” કવિ સંમેલન અને હાસ્ય દરબાર” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાહિત્ય અને કલા પ્રેમીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
■ કવિ સંમેલન અને હાસ્ય દરબાર:
આ કવિ સંમેલનમાં ગુજરાતના પ્રખ્યાત કવિ અમદાવાદથી કવિ કૃષ્ણ દવે, જામનગરથી કવિ મનોજ જોશી, પોરબંદરના કવિ સ્નેહલ જોશી, પોરબંદરથી કવિ સુનિલ ભીમાણી વગેરે કવિઓએ એક પછી એક સુંદર રચનાઓ રજૂ કરી ઉપસ્થિત સાહિત્ય અને કલા પ્રેમીઓને મુશાયરામાં રસતરબોળ કર્યા હતા. આ કવિ સંમેલનની સાથે ગુજરાતના પ્રખ્યાત હાસ્યકાર જીતુભાઇ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાયો હતો આ હાસ્ય દરબારમાં જીતુભાઇ પોતાની આગવી શૈલીમાં જોક્સ અને માર્મિક વાતો રજૂ કરતાં ઉપસ્થિત સૌને પેટ પકડીને હસતા કરી દીધા હતા.
■ બાલ કવિએ કર્યું કવિતા પઠન
જુદા જુદા કવિઓની રચનાઓ પઠન કરતા બાલ કવિ દર્શિલ ગોરાણીયાએ કવિ કૃષ્ણ દવે, કવિ ખલીલ ધનતેજવી, કવિ સ્નેહલ જોશી વગેરેની રચનાનું જોરદાર શૈલીમાં પઠન કરતા ઉપસ્થિત સૌ શ્રોતાઓઈ તાળીઓના ગળગળાટથી આ નાનકળા બાલ કવિને વધાવી લીધો હતો.
■ વિવાહપુરાણ પુસ્તકનું વિમોચન :
પોરબંદરના જાણીતા કવિ સુનિલ ભીમાણી દ્વારા તૈયાર કરવામાં આવેલ વાંઢાની પીડાનું હસ્યોપનિષદ્ “વિવાહપુરાણ” પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
■ મહાનુભાવોએ નવરંગના આયોજનને બિરદાવ્યું
કવિ સંમેલન અને હાસ્ય દરબારમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, કલેકટર એસ.ડી.ધાનાણી, ઇતિહાસવિદ નરોત્તમ પલાંણ, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલકુમાર, ડો. સુરેશભાઈ ગાંધી, હિરલબા જાડેજા વગેરે મહાનુભાવોએ નવરંગ દ્વારા યોજાતા કાર્યક્રમોની પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં હતાં.
પોરબંદર એ કલા અને સાહિત્યમાં ખૂબ રસ ધરાવતું શહેર છે અને આ ભૂમિમાં અનેક પ્રકારની કલાઓ ધરબાયેલી પડી છે ત્યારે આ દરેક કલાઓને ઉજાગર કરવા અને કલા સર્જકોને યોગ્ય સ્ટેઝ આપવા માટે બે વર્ષથી નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે આયોજીત આ કવિ સંમેલન અને હાસ્ય દરબારને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા, મંત્રી સ્નેહલ જોશી, સંયોજક લાખણશી આગઠ, સહ સંયોજક ડો. ઉર્વીશ મલકાણ, કેતન પટેલ અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજાએ તથા આભારવિધિ ડો. ઉર્વીશ મલકાણે કરી હતી.