પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા હોવાનું વિધાનસભા માં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન ના જવાબ માં મુખ્યમંત્રી એ માહિતી આપી છે.ત્યારે હવે ભવિષ્ય માં ટોલનાકા શરુ કરવામાં ન આવે તેવી લોકો ને આશા અને અપેક્ષા છે.
પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે વિધાનસભામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં માર્ગ અને મકાન વિભાગ સંભાળી રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય એ જણાવ્યું હતું કે પોરબંદર -ખંભાળીયા રોડની કુલ ૭૧ કી.મી. લંબાઈ પૈકી ૬૬ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવામાં આવ્યો છે.
જ્યારે પોરબંદર-ભાણવડ રસ્તાની કુલ ૪૦.૪ કી.મી. લંબાઈ પૈકી ૩૫.૩ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ પોરબંદર-રાણાવાવ ત્રણ પાટીયાની કુલ ૫૭.૧ કી.મી લંબાઈ પૈકી ૫૧.૯ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જો કે રાષ્ટ્રીય ધોરી માર્ગ જાહેર થતા લોકો ને અહી ભવિષ્ય માં ટોલનાકા ઉભા થવાનો પણ ભય સતાવી રહ્યો છે આમ પણ શહેર ફરતે ત્રણેય મુખ્ય માર્ગ પર ટોલનાકા કાર્યરત છે ત્યારે હવે ખંભાળિયા અને ભાણવડ રસ્તા પર પણ ટોલનાકા ઉભા થશે તો વાહનચાલકો પર વધારા નો બોજ આવશે તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે આ માર્ગો પર પણ ટોલનાકા શરુ ન થાય તેવી આશા અને અપેક્ષા લોકો રાખી રહ્યા છે.