રાણા વડવાળા નજીક નેશનલ હાઈવે પર કાર ચાલકે અડફેટે લેતા દ્વારકા જઈ રહેલ પદયાત્રી નું મોત નીપજ્યું છે. જયારે તેની સાથે રહેલ મિત્ર નો બચાવ થયો છે. કાર ચાલક અકસ્માત સર્જી કાર લઇ નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
ઉપલેટા ના કુંઢેચ ગામે રહેતા અને ખેતી કરતા રમેશ ગોવિંદભાઈ હેરભા (ઉ.વ.૨૮)એ રાણાવાવ પોલીસ મથક માં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા ૨૧/૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યે તેઓ મિત્ર કાનજી મોકાભાઈ ડાંગર (ઉવ ૪૪) સાથે કુંઢેચ થી ચાલીને દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળ્યા હતા અને બંને ચાલતા ચાલતા શનિવારે વહેલી સવારે સાડા છ વાગ્યા ના અરસા માં રાણા વડવાળા ગામે પાંચાલી હોટલ થી થોડે દૂર રાણાવાવ તરફ પહોંચ્યા ત્યારે તેઓ કાનજી થી પાંચ ફૂટ આગળ ચાલતા હતા.
તેવામાં પાછળથી એક કાર પુરઝડપે આવી અને કાનજીને હડફેટે લઈ નીચે પછાડી દીધા હતા અને કાર ચાલક કાર લઇ નાસી ગયો હતો પરંતુ કાનજી કારની આગળ ની સાઈડ ભટકાયેલ હોવાથી કારની આગળની નંબર પ્લેટ ત્યાં તૂટીને પડી ગઈ હતી આથી રમેશે નંબર પ્લેટ જોતા કાર ના નંબર જીજે ૦૧ કે આર ૭૯૧૧ હતા. કાનજીને કપાળ તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાણ હાલત માં રસ્તા ની સાઈડ માં પડ્યો હતો આથી તુરંત તેના ભાઈ ને જાણ કરતા કાર મારફત કાનજી ને રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર ના તબીબે તેને મૃત જાહેર કરતા પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને પોલીસે કાર ના નંબર ના આધારે ચાલક ની શોધખોળ હાથ ધરી છે.
અન્ય એક બનાવ માં આદિત્યાણા બાયપાસ નજીક મોડી સાંજે કોહવાયેલી હાલત માં મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા રાણાવાવ પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. અને મૃતદેહ ની ઓળખ મેળવવા ની કાર્યવાહી હાથ ધરતા આ મૃતદેહ આદિત્યાણા ગામે રહેતા જેસાભાઈ ઉર્ફે ભાયાભાઈ રાજાભાઈ સાગઠીયા નામના ૫૦ વર્ષીય આધેડ નો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે મૃતદેહ રાણાવાવ ના સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડ્યો હતો પરંતુ કોહવાયેલી હાલત માં હોવાથી પેનલ પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ માં બે થી ત્રણ દિવસ પહેલા જેસાભાઈ નું મોત થયા નું સામે આવ્યું છે ત્યારે મોત નું ચોક્કસ કારણ પી એમ બાદ જ સામે આવશે તેવું પોલીસે જણાવ્યું છે.