કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ના આઉટ સોર્સિંગ કર્મચારી એ એસ.ટી.ના બે બોગસ પાસ બનાવીને ૪૧ દિવસ સુધી પોરબંદર થી કુતિયાણા સુધી અપડાઉન કરી સરકાર ને રૂ ૩૨૮૦ રૂપિયાનું નુકસાન કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
એસ.ટી.વિભાગમાં ટ્રાફિક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ શરદચંદ્ર વ્યાસ (ઉવ ૫૭)એ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમને સૌરાષ્ટ્ર-કરછ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવાની સુચના મળતા બસોનું ચેકિંગ કરતા કરતા કુતિયાણા પહોચ્યા હતા. અને ત્યાં પોરબંદર-જુનાગઢ રૂટની લોકલ બસ એન્ટર થતા ચેકિંગ હાથ ધર્યું હતું. બસમાં ૧૪ જેટલા મુસાફરો હતા. તેની ટીકીટની તપાસ થતી હતી. જે દરમ્યાન નિતેષ બિજલભાઈ બળવા નામનો યુવાન બસમાંથી ઉતરતા તેણે ૫૦% ડિસ્કાઉન્ટવાળી એસ.ટી.બસની પાસ યોજનાનો પાસ બતાવ્યો હતો. આ પાસ મુકેશભાઈએ ચેક કરતા કલર ઝેરોક્ષ અને શાહીનો કલર ઝાંખો દેખાતા તેમાં ગેરરીતી હોવાનું જણાતા નિતેષ પાસેથી ઓળખપત્ર માંગતા તેમાં નિતેષ બિજલભાઈ બળવા નામ અને ફોટો હતા પાસ માં ગેરરીતી થયાનું જણાતા નિતેષને સાથે લઈને તેઓ પાસની ખરાઈ કરવા માટે પોરબંદર બસ ડેપો ખાતે લાવ્યા હતા.
અને તપાસ કરતા જે ઇસ્યુની તારીખ હતી એવો કોઈ પાસ ડેપો ખાતેથી ઇસ્યુ થયો ન થયો હોવાનું બહાર આવ્યું હતું. નીતેશ પાસે .૨૬-૭-૨૦૨૩ થી તા.૨૪-૮-૨૦૨૩ સુધીનો પોરબંદર થી કુતિયાણા રૂટનો પાસ પણ મળ્યો હતો. જે પૂર્ણ થયેલો જણાયો હતો. અને બન્ને ડુપ્લીકેટ પાસ ઓરીજનલ પાસમાં એડીટીંગ કરીને ચીટીંગ કરીને બનાવ્યા હોવાની તેણે કબુલાત આપી હતી. નીતેશે તેના મોબાઈલમાં જ અગાઉના અસલ પાસમાં એડિટ કરીને આ બોગસ પાસ બનાવ્યાનું ખુલ્યું હતું. અને તેણે સરકાર સાથે ઠગાઈ કરીને ૪૧ દિવસ સુધી પોરબંદર-કુતિયાણા વચ્ચે અપડાઉન કર્યું હોવાનું બહાર આવતા ૩૨૮૦ રૂપિયાની ગેરરીતિ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નીતેશ પોરબંદર રહેતો હોવાનું અને કુતિયાણા તાલુકા પંચાયત ક્ચેરી માં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે. બનાવ ના પગલે અનેક ચર્ચાઓ જાગી છે.

