આગામી ૧૦ ડીસેમ્બર થી બેંગ્લોર ખાતે શરુ થનાર વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ એબિલીટી સ્પોર્ટ્સ લીગ માં ગુજરાત માંથી એક માત્ર પોરબંદર ના દિવ્યાંગ ખેલાડી ની પસંદગી કરાઈ છે.
આગામી 10 ડિસેમ્બર થી 17 ડિસેમ્બર સુધી કર્ણાટકના બેંગલોર ખાતે એબિલિટી સ્પોર્ટ્સ લીગનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે.જેમાં બેંગ્લોર ઈગલ્સ , ચેન્નાઇ લેજન્ડસ, લખનઉ મેવેરિક્સ, મુંબઈ ફાઈટર્સ , ચંદીગઢ લાયન્સ અને ગ્વાલિયર વોરિયર્સ નો સમાવેશ થાય છે.
આ ટુર્નામેન્ટના નિયમ મુજબ બધી ટીમો પોતાના રાજ્યના 5 ખેલાડીઓની પસંદગી બાદ બાકીના ખેલાડીઓની આઈપીએલ ની જેમ ઓક્સનમા ખરીદી કરવાની હોય છે. ફરક એટલો હોય છે કે આઈપીએલ માં કરોડો રૂપિયા દઈને ખેલાડીઓની ખરીદી થતી હોય છે તેની જગ્યાએ વ્હીલચેર ક્રિકેટ પ્રીમિયર લીગમાં માત્ર પોઇન્ટની બોલી લગાવીને ખરીદી થતી હોય છે. પોરબંદર ના દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી એ જણાવ્યું હતું કે તેની ખરીદી ઓકશન મારફત લખનૌ મેવેરીક્સ ટીમે કરી હતી તેઓએ જણાવ્યું હતું કે વ્હીલચેર ક્રિકેટરો છેલ્લા 10 વર્ષથી સ્ટ્રગલ કરી રહ્યા છે. તોપણ જે સ્ટેજ તથા સ્પોન્સર મળવા જોઈએ તે હજી પણ મળતા નથી.આપણું રાજ્ય આર્થિક રીતે સધર હોવા છતાં ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટરને હજી પણ સ્પોન્સર મળતા નથી. આથી સામાન્ય ક્રિકેટરો ની જેમ વ્હીલચેર ક્રિકેટરો ને પણ સ્પોન્સરશીપ મળવી જોઈએ.