ચીન માં ફરીથી કોરોના એ તબાહી મચાવી છે. જેના પગલે સરકાર પણ સતર્ક બની છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોકો કોરોના પ્રીકોશન ડોઝ લેવામાં બેદરકારી દાખવી રહ્યા હોય તેમ 43.63 ટકા લોકોએ હજુ સુધી ડોઝ લીધો નથી. ત્યારે વહેલીતકે લઇ લેવા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરાઈ છે.
ચીનમાં ફરીથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેને પગલે ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. અને કોરોના ને નાથવામાં વેક્સીન જ અકસીર ઈલાજ છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોકો કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા બાદ પ્રીકોશન ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જીલ્લા માં તા. 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 551981 ટાર્ગેટ સામે 487865 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. એટલે કે 88.38 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. તેમજ 477641 લોકોએ બીજો ડોઝ લીધો હતો. એટલેકે 97.90 ટકા લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે.
ત્યાર બાદ કોરોના ના કેસ અને ગંભીરતા ઘટતા માત્ર 189907 લોકોએ જ તેનો પ્રીકોશન ડોઝ લીધો હતો. હજુ પણ 245371 લોકોએ આ ડોઝ લેવાનો બાકી છે. એટલે કે, 43.63 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લેવાનો બાકી છે. દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ત્યારે લોકોને જીલ્લા આરોગ્ય અધિકારી એસ.દેવ દ્વારા વહેલીતકે પ્રીકોશન ડોઝ લઇ લેવા અપીલ કરાઈ છે.