ગોવાથી પોરબંદર લવાયેલ વિદેશી દારૂની ૭૬ બોટલ સાથે પોલીસે એક શખ્સ ને ઝડપી લીધો છે અને રૂ ૩૦ હજાર નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ના હેડ કોન્સ્ટેબલ બી.પી માળિયા તથા કોન્સ્ટેબલ સાજનભાઈ રામશીભાઈ વરુને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે મહારાણા મીલની ચાલી પાછળ આવેલ અવાવરૂ જગ્યામાં આંકડાના વૃક્ષ પાસે એક શખ્સ બાચકામાં ભરેલી વિદેશી દારૂની બોટલો છુપાવી રહ્યો છે. તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઇ દરોડો પાડતા રૂ ૩૦,૪૦૦ ની કીમત ની અલગ અલગ બ્રાંડ ની વિદેશી દારૂની ૭૬ બોટલ મળી આવી હતી.
તેથી પોલીસે એ શખ્શની પૂછપરછ કરતા તે મીલપરામાં આવેલી મહારાણામીલની ચાલીમાં રહેતો ગૌતમ ઉર્ફે ગવો ભીખુ પરમાર (ઉ.વ.૨૮) હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે તેની આકરી પૂછપરછ કરતા આ દારૂ તે રેલ્વે કોલોનીમાં રહેતા તેના મિત્ર સાહિલ ઉર્ફે બોથો સુલેમાન માડમ સાથે ગોવા જઇને ટ્રેનમાં દારૂ લાવ્યા હતા અને નરસંગ ટેકરી નજીક સાંઇબાબાના મંદિર પાછળ રહેતા માલદે ઉર્ફે જગીરો રામા કુછડીયાને આ દારૂ આપવાનો છે તેવું જણાવ્યું હતું આથી પોલીસે દારૂ નો જથ્થો કબ્જે કરી ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી આ શખ્શો એ અગાઉ ગોવા થી દારૂની કેટલી ખેપ મારી છે તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે.