પોરબંદર ના મોરાણાથી કુંજવેલ તરફ જતા રસ્તે બે બાઈક અથડાતા નિવૃત આર્મી મેન ના એક ના એક પુત્ર નું મોત થયું છે.
મોરાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નિવૃત આર્મીમેન લખમણભાઈ હમીરભાઈ મોઢવાડિયા(ઉવ ૩૬)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા.૩૧/૫ ના તેની જાણ બહાર તેનો સોળ વર્ષનો પુત્ર અભય અને અભયનો મિત્ર રાજ લખમણભાઈ નું બાઈક લઈને વાડીએથી મજીવાણા જતા હતા. એ દરમિયાન કુંજવેલથી મોરાણા તરફ પુરઝડપે બાઈક લઈને આવતા પારાવાડાના વિજય જીવા મોઢવાડિયાના બાઈક સાથે અભયનું બાઈક અથડાયું હતું, જેથી અભય ઘટના સ્થળે જ બેહોશ થઇ ગયો હતો.
રાજે તાત્કાલિક લખમણભાઈને ફોન કરી બનાવની જાણ કરતા તેઓ તાત્કાલિક પોતાની કાર લઈને ઘટના સ્થળે દોડી ગયા હતા. તે સમયે અકસ્માત સર્જનાર વિજય પણ ત્યાં જ હાજર હતો ઈજાગ્રસ્ત અભયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી રાજકોટની સરકારી હોસ્પિટલે પી.એમ.કરાવ્યા બાદ તેના વતન મોઢવાડા ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે લખમણભાઈ અને પોલીસમાં ફરજ બજાવતા લીલુબેન ને સંતાનમાં એક માત્ર પુત્ર અભય હતો. તેના અકસ્માતે મોત ના પગલે પોલીસબેડામાં, આર્મીમેન પરિવારોમાં તથા બરડા પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે.