નેપાળ ખાતે યોજાનાર એસીસી પ્રીમીયમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પોરબંદર ના યુવાન નું ઓમાન ની ક્રિકેટ ટીમ માં સિલેકશન થયું છે.
નેપાળ ખાતે ૧૮ એપ્રિલ થી ૧ મે દરમ્યાન એસીસી પ્રીમીયમ કપ-૨૦૨૩ નું આયોજન કરાયું છે. આ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન એશિયા કપ માટે ની ક્વોલીફાઈડ ટીમ નું સિલેકશન થશે. આ ટુર્નામેન્ટ માં ઓમાન ની ટીમ પણ ભાગ લેશે. આ ટીમ માં પોરબંદર ના યુવા ખેલાડી જય વિરમભાઇ ઓડેદરા નું ઓમાન ની ટીમ માં સિલેકશન થયું છે. આ યુવાને પોતાની સખત મહેનત થી ઓમાન ની રાષ્ટ્રીય ટીમ માં સ્થાન મેળવી સમગ્ર પોરબંદર જીલ્લા નું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. જય વધુ ને વધુ પ્રગતી કરે તે માટે પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસિએશન ના કિરીટભાઈ સવજાણી સહીત તમામ સભ્યો એ અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદરના યુવા ક્રિકેટરો રાષ્ટ્રીય ક્રિકેટટીમમાં સ્થાન મેળવી રહ્યા છે. જે પોરબંદરની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરવા સમાન બની રહ્યું છે. અગાઉ યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ અજય લાલચેતા નામના યુવાને આઠ વર્ષ પૂર્વે ઓમાનની રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી ટી-20 વર્લ્ડકપમાં ઓમાનની ટીમ વતી ઓલરાઉન્ડર ખેલાડી તરીકે રમ્યો હતો.
પોરબંદર આમ તો રાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે વરસોથી જોડાયેલું છે. કારણ કે અહીના મહારાણા નટવરસિંહજી ઈન્ડીયન ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન બન્યા હતા. ક્રિકેટ પ્રત્યે રાજવીઓેને એક અનોખો પ્રેમ હતો. એટલે જ આવનારી પેઢી ક્રિકેટક્ષેત્રે પોરબંદરને ગૌરવ પ્રદાન કરે તેવા ઉદેશથી તેઓએ શહેરની મધ્યે જ વિશાળ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી હતી. જેને કારણે પોરબંદરના અનેક ખેલાડીઓ રણજી ટ્રોફી રમ્યા છે. તો કેટલાક ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા એ પણ રમ્યા છે.
ઉલ્લેખનીય છે કે 5 નવેમ્બર 1989 ના દિવસે જન્મેલા જયે પણ ૨૦૦૦ થી ૨૦૧૫ સુધી આ મેદાન ખાતે જ ક્રિકેટ ની સઘન તાલીમ મેળવી હતી. અને અહી ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટીમ માં અન્ડર ૧૪,૧૬ અને ૧૯ ની મેચો રમી હતી. જય ને ૨૦૧૫ માં ઓમાન ની અલ તુર્કી કંપની એ ક્રિકેટ માટે ખાસ ઓમાન તેડાવ્યો હતો. તેની ઓફ સ્પીન બોલિંગ નો જાદુ જોઈ ને ઓમાન ની રાષ્ટ્રીય ટીમ માં પસંદગી થઇ છે.
ઓમાન ની સમગ્ર ટીમ ની વિગત
ઓમાનની આ ટીમમાં ઝીસાન મકસુદની કેપ્ટનશીપ અને આદીબ ઈલીયાઝની વાઈસ કેપ્ટનશીપ હેઠળ પોરબંદરના જય ઓડેદરા ઉપરાંત કશ્યપ પ્રજાપતિ, જીદરસિંઘ, સોયબખાન, આયાનખાન, સંદિપ ગૌડ, આદિલ શેટ્ટીક, મહમ્મદ નદીમ, મહમ્મદ નશીમ, કાલીમુલ્લા, બીલાલખાન અને અહમદ ફયાઝ બટ વગેરે ચૌદ ખેલાડીઓની ટીમની જાહેરાત થઇ છે જયારે તેમના હેડકોચ તરીકે દુલીપ મેન્ડીસ અને આસીસ્ટન્ટ કોચ તરીકે એવર્ટ તેમજ મેનેજર તરીકે મધુરસિંહ જેસરાણી, બોલીંગ કોચ આવિસ્કાર સાલવી, કો-ઓર્ડિનેટર મઝહરખાન અને એનાલિસીસ્ટ તરીકે ઝીશાન સીદીકી, તથા ફિઝીયો તરીકે સીંયાન નોવાકની નિમણૂંક કરવામાં આવી છે
![](https://porbandartimes.com/wp-content/uploads/cricket.webp)