પોરબંદરના બોખીરાથી સુભાષનગર તરફ જતો રસ્તો સાંકડો છે. અને અહી સ્ટ્રીટલાઇટ ની પણ સુવિધા પણ નથી. જેથી વારંવાર અકસ્માત સર્જાય છે. બે દિવસ પહેલા પણ અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જેથી આગેવાનો દ્વારા વધુ એક વખત ઉગ્ર રજૂઆત કરાઈ છે.
પોરબંદરના બોખીરાથી સુભાષનગર તરફ જતા રસ્તે પરમ દિવસે રાત્રી ના સમયે બાઈક અને પાણી ના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વીરેન્દ્રરામ બટેરીરામ નામના યુવાન ને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જયારે તેની સાથે રહેલા વસંત સદા ને ગંભીર ઈજાઓ થતા સારવાર માં ખસેડાયો છે. આ યુવાનો જાવર વિસ્તારમાં ટીફીન દેવા માટે ગયા હોવાનું જાણવા મળે છે.
આ પ્રકારના વાહન અકસ્માતના ગંભીર બનાવો આ રસ્તા ઉપર અગાઉ પણ અનેક વખત બન્યા છે. છતાં તંત્ર સ્ટ્રીટલાઇટ જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ ગંભીર બન્યું નથી. સુભાષનગર સુધીનો આ રસ્તો પહોળો કરવાની માંગણી પણ વર્ષોથી અધ્ધરતાલ છે. જેના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. જેથી સ્થાનિક આગેવાનો માં રોષ જોવા મળે છે. આગેવાનો એ જણાવ્યું હતું કે વારંવાર સરકારને લેખિત રજૂઆત કરી છે. કે સુભાષનગર તથા જાવર તરફ મચ્છીના અનેક કારખાના આવેલા છે. તેથી આ રોડ પર મચ્છીના કન્ટેનરો, ટ્રક,રિક્ષા સહિતના ભારે વાહનોની સતત અવરજવર થતી હોય છે. પરંતુ તેમ છતાં સ્ટ્રીટલાઇટ જેવી પ્રાથમિક સગવડ પણ તંત્ર ઉપલબ્ધ કરાવતું નથી. જેથી રસ્તો પહોળો કરી સ્ટ્રીટ લાઈટ ની સુવિધા આપવા વધુ એક વખત માંગ ઉઠી છે.