પોરબંદરમાં આવતીકાલે દસ વાગ્યે એક કલાકના શ્રમદાન સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સુત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠકકરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદરના તમામ તાલુકાઓ માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
‘એક તારીખ, એક કલાક’ અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી એક કલાક કરવામાં આવશે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો,આંગણવાડીઓ,શાળાઓ,વિવિધ કચેરીઓનાં પ્રાંગણ અને આજુ બાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખાતે સ્વચ્છતા અભિયાન માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવશે. દરેક ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાન ગતિવિધિનું આયોજન કરાશે.સંપુર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું રહેશે. એકત્રિત થયેલા કચરાના યોગ્ય નિકાલની જગ્યાએ લઈ જવા માટે નોડલ ઓફિસર તેમજ કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ભગીરથકાર્યમાં ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખ અને સભ્યો, સરપંચ, ગ્રામ પંચાયતનાં સભ્યો તેમજ જિલ્લા-તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા આયોજીત આ સ્વચ્છતા માટેની મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં તમામ લોકોને સહભાગી થવા અનુરોધ કર્યો છે.