પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રમાં સતત સેવારત પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક-માધ્યમિક શાળામાં શિક્ષણમાં નવાચારથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે.
મુખ્ય પાંચ એવોર્ડી દ્વારા વક્તવ્ય
તા.૦૨-૦૭-૨૩, રવિવારે સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહના પ્રાતઃ સત્રમાં મુખ્ય પાંચ એવોર્ડી દ્વારા પોતાના જીવનની અનુભવગાથા રજુ થઇ. કાર્યક્રમની શરૂઆતમાં સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના વેદાચાર્ય શ્રીહાર્દિકભાઈ જાનીએ વેદમંત્રોનું સસ્વર ગાન કર્યું હતુ અને ત્યારબાદ આચાર્ય શ્રીબીપીનભાઈ જોશી દ્વારા મહાનુભાવોનું શ્લોકાત્મક વાચિક સ્વાગત કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે એવોર્ડ ચયન સમિતિના સભ્ય શ્રી ટી.એસ.જોશી સાહેબ દ્વારા મુખ્ય પાંચ એવોર્ડીના પરિચય સાથે પ્રાસ્તાવિક ઉદ્ભોધન કર્યું. પછી ક્રમશ: મુખ્ય પાંચ એવોર્ડી મહાનુભાવો શ્રીમતી કોકિલાબેન વ્યાસ ધરમપુર દ્વારા પોતે પોતાના જીવનમાં શિક્ષાક્ષેત્રમાં કન્યાકેળવણી દ્વારા યોગદાન , ડૉ.ચંદ્રકાન્તભાઈ ભોગાયતા એ પોતાના જીવનની કારકિર્દી અને ભાષાવિજ્ઞાનમાં સંશોધન ક્ષેત્ર વિશે, ડૉ.ઈશ્વરભાઈ પરમાર દેવભૂમિ દ્વારકા એ ખુબજ હળવી શૈલીમાં પોતાની કારકિર્દીનિ સાથે બાળ સાહિત્ય રચના વિશે, શ્રી ચંદ્રકાન્તભાઈ વ્યાસ એ પ્રેમની પરબ દ્વારા ૫૦થી વધુ શાળાઓને પુન: જીવંત કરી એના વિશે અને સંસ્કારતીર્થના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી યોગીનીબેન આર. મજમુદાર એ સંસ્થાના ઈતિહાસ અને વર્તમાનમાં સંસ્થાની પ્રવૃત્તિ અને કન્યાઓને અપાતી કેળવણી વિશે વિસ્તૃત વાત કરીને કરેલા ઉત્કૃષ્ટ કાર્યોનો સુંદર રીતે પરિચય કરાવ્યો. ત્યારબાદ ગુરુ ગૌરવ એવોર્ડ ચયન સમિતિના અધ્યક્ષ અને શિક્ષણવિદ આદરણીય શ્રીગીજુભાઈ ભરાડ સાહેબે મૂલ્યશિક્ષણ પર ભાર મુકીને શિક્ષકોને સંબોધિત કર્યા હતા.
સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ
ગુરુપૂર્ણિમાનિ પૂર્વ સંધ્યાએ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં તા.૦૨-૦૭-૨૩, રવિવારના અપરાહ્ન સત્રમાં પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવો દ્વારા મુખ્ય પાંચ એવોર્ડીઓનું સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ દ્વ્રારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું. અગાઉ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષમાં કોરોનાના કારણે સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડનું આયોજન થઇ શક્યું ના હતું. આથી આ વર્ષે ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૩ એમ ત્રણ વર્ષના લાઈફ ટાઈમ એચીવમેન્ટ ગૌરવ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા. જેમાં અનેક આશ્રમશાળાઓ અને હાઈસ્કુલ દ્વારા અનેક વિદ્યાર્થીનીઓના શિક્ષણ માટે જીવન સમર્પિત કરનારા ભગવદીયા કોકિલાબેન વ્યાસ-ધરમપુરનું લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ- ૨૦૨૦ દ્વારા, શૈક્ષણિક સંશોધન દ્વારા સમાજને ઉત્કૃષ્ટ યોગદાન આપનારા આદરણીય ડૉ.ચંદ્રકાંતભાઈ ભોગાયતા-ભાવનગરનું લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ- ૨૦૨૧ દ્વારા, જેઓએ બાળસાહિત્યની રચના કરીને શિક્ષણસમાજને બહુમૂલ્ય યોગદાન આપ્યું છે એવા ડૉ.ઈશ્વરભાઈ પરમાર-દેવભૂમિ દ્વારકાનું લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ-૨૦૨3 દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું . આ સાથે જેઓએ ‘પ્રેમની પરબ’ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે થઈને અનેક શાળાઓ અને શિક્ષકોના માર્ગદર્શક બનનારા આદરણીય શ્રી ચંદ્રકાન્તભાઈ વ્યાસનું શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ-૨૦૨૩ અને ઇ.સ. ૧૯૬૪થી દીકરીઓના શિક્ષણનિ ચિંતા કરીને દીકરીઓના શિક્ષણમાટે થઈને અભૂતપૂર્વ કાર્યકરનારી સંસ્થા સંસ્કારતીર્થ-આજોલનું ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ-૨૦૨૩થી ભાવપૂજન કરવામાં આવ્યું. આ ભાવપૂજન સ્વીકારવા માટે સંસ્કારતીર્થના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી યોગીનીબેન આર. મજમુદાર અને સંસ્થાના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કાર્ય બાદ મુખ્ય પાંચ એવોર્ડીએ પોતાનો પ્રતિભાવ રજુ કરતા પૂજ્ય ભાઈશ્રી અને સાંદીપનિ સંસ્થાનો ધન્યવાદ માન્યો હતો અને આ ભાવપૂજનને સૌએ વિશેષ ગણાવીને અંતરથી ધન્યતા અનુભવી હતી. .
મુખ્ય પાંચ એવોર્ડ અર્પણ કર્યા બાદ જેઓએ શાળા સમય સિવાય શાળા કે સમાજમાં વિશેષ કાર્ય કર્યું હોય અથવા કલા શિક્ષણમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તેવા સરકારી પ્રાથમિક શાળાના દરેક જીલ્લામાંથી એવોર્ડ ચયન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવી હતી એવા ૩3 શિક્ષકોનું પણ આ તકે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવો દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમાર સાગરભાઈ મહેતા એ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ સરકારી બી.એડ કોલેજના સંસ્કૃત વિષયના પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકેની ભરતીમાં લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુંમાં ઉત્તીર્ણ થઈને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલ હતું તે બદલ પૂજ્ય ભાઈશ્રીએ આનંદ વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા હતા.
પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન
પૂજ્ય ભાઈશ્રીએ પોતાના મનોભાવ વ્યક્ત કરતા પુરસ્કૃત સન્માનિત શિક્ષકોના કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી એ પોતે બે દિવસ પ્રેરણાની પરબ પામ્યા છે એવું વિનમ્રતાથી કહ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીએ સ્ત્રીના માતૃત્વના સમયને શાળાના વિદ્યાર્થીકાળ સાથે સરખાવ્યો હતો. સાથે સાથે તેમણે શિક્ષકો બાળકોને વિદ્યાર્થીકાળથી જ વ્યસનથી દૂર રાખે એવો સંદેશ આપ્યો હતો. મુખ્ય પાંચ એવૉર્ડથી જેઓનું ભાવપૂજન કરવામાં આવ્યું હતુ તે સૌ મહાનુભાવોને પૂજ્ય ભાઇશ્રીએ અભિનંદન આપ્યા હતા.
આ અવસરે ગુરુ ગૌરવ અવાર્ડ ચયન સમિતિના સભ્યો શિક્ષણવિદ આદરણીય શ્રી ગીજુભાઈ ભરાડ, આદરણીય પૂર્વ નિયામક શ્રી ટી.એસ.જોષી સાહેબ, સાબરમતી આશ્રમના ડાયરેક્ટર શ્રી અતુલભાઈ પંડ્યા, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ પ્રાપ્ત રાજપુરથી શ્રી પાર્થેશભાઈ પંડ્યા અને નવા નદીસર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ સાથે સાંદીપનિ વિદ્યાનિકેતન પરિવારના સૌ ટ્રસ્ટીઓ અને ગુરુપૂર્ણિમાના અવસરે આવેલા સૌ મહેમાનો ઉપસ્થિત હતા
સાંદીપનિમાં ભક્તિભાવ સભર વાતાવરણમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો
તા. ૦૩-૦૭-૨૩, સોમવારના રોજ સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં ભાવસભર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.
સૌ પ્રથમ સવારે શ્રીહરિ મંદિરમાં સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ અને શ્રીહરિ મંદિરમાં તપસ્વી સ્વરૂપ શ્રીલક્ષ્મીનારાયણના વિશેષ દર્શન યોજાયા હતા. આ સાથે વ્યાસ પૂર્ણિમાના અવસરે પૂજ્ય ભાઈશ્રી દ્વારા આદિગુરુ શંકરાચાર્ય ભગવાન અને વેદવ્યાસજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યુ. ત્યારબાદ પૂજ્ય ભાઇશ્રી અને ઉપસ્થિત ભકતો દ્વારા ગુરુપાદુકાપંચકનો પાઠ કરવામાં આવ્યો અને ત્યારબાદ પૂજ્ય ભાઇશ્રી દ્વારા ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે સંદેશ પ્રવચન આપવામાં આવ્યુ. પ્રવચન બાદ મુખ્ય યજમાન શ્રી સંજયભાઈ સુચક પરિવાર દ્વારા વિધિવત પૂજ્ય ભાઇશ્રીનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ. સાંદીપનિની વૈદિક રીચ્યુલ ટીમ દ્વારા પારાશરસંહિતા મુજબ વિધિપૂર્વક આ પૂજનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ દેશ-વિદેશથી, પોરબંદરથી આવેલા અનેક ભક્તો તેમજ ઋષિકુમારોએ પૂજ્ય ભાઇશ્રીના ચરણોમાં વંદન કર્યા હતા.
તત્ત્વદર્શન સામયિકનું વિમોચન
ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા તત્ત્વદર્શનના વિશેષ અંક કે જેમાં પૂજ્ય ભાઇશ્રીના માર્ગદર્શનથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓની પ્રવૃત્તિ ભાવિ પ્રકલ્પનો પરિચય આપ્યો છે. આ અવસરે સત્ સાહિત્ય પ્રકાશનના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.











