પોરબંદર નગરપાલિકા ના પ્રમુખ તરીકે અઢી વર્ષ સુધી શાશન કરી અનેક વિવાદો માં રહેનાર સરજુ કારિયા ની પ્રમુખપદ ની મુદત તા ૧૫ ના રોજ પૂર્ણ થાય છે. તેના એક જ દિવસ અગાઉ એકાએક જનરલ બોર્ડ ની બેઠક બોલાવતા અનેક ચર્ચાઓ જાગી છે.
પોરબંદર નગરપાલિકા ના પ્રમુખ તરીકે સરજુ કારિયા ની નિમણુક થયા બાદ તેનો કાર્યકાળ હમેશા વિવાદ માં રહ્યો છે મોટા ભાગ ના સુધરાઈ સભ્યો ના વિસ્તારો ના કામો પણ ન થતા હોવાની હમેશા ફરિયાદો ઉઠતી હતી જેના કારણે અનેક સુધરાઈ સભ્યો એ તો તેમના કાર્યકાળ દરમ્યાન જનરલ બોર્ડ ની બેઠક માં આવવાનું પણ ટાળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે તેનો કાર્યકાળ તા ૧૫ ના રોજ પૂર્ણ થશે તેના આગલા દિવસ એટલે કે તા ૧૪ ને ગુરુવાર ના રોજ પાલિકા કચેરી ના સભાખંડ ખાતે એકાએક જનરલ બોર્ડ ની બેઠક બોલાવવામાં આવી છે.
જો કે આ બેઠક અંગે અનેક સુધરાઈ સભ્યો ને પણ જાણ ન હતી અને તા 8 નો લખેલો પત્ર તા ૧૨ ની સાંજે તેઓને પહોંચાડવામાં આવ્યો હતો. આ બેઠક માં કેટલાક ઠરાવ પસાર થસે જેમાં ખીજડી પ્લોટ ગાર્ડનનાં કામ દરમ્યાન આવેલ વાંધા અરજીઓ અન્વયે રિવાઈઝડ પ્લાન થતાં, કમ્પાઉન્ડ વોલનું કામ વધવા પામેલ છે. જે માટે કન્સ્લટન્ટ મારફ્ત રૂ .૧,૫૦,૦૦૦/- નો ખર્ચ દર્શાવવામાં આવેલ છે. જે પ્રમુખે જ.ક.ની અપેક્ષાએ મંજુર કરેલ છે, જે કરેલ હુકમને બહાલી આપવા અંગે નિર્ણય થશે
ખીજડી પ્લોટ ગાર્ડનનું નામ “મહારાણાશ્રી નટવરસિંહજી” રાખવા બાબતે પોરબંદર રાજપુત સમાજ ધ્વારા માંગણી કરવામાં આવેલ છે. તે બાબતે નિર્ણય થશે.
છાયા શહેરની પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ઘ્વારા ઈ–ટેન્ડર પધ્ધતીથી એલ એન્ડ ટી કંપનીના નિયત થયેલ ભાવે અને શરતોને આધિન રહી કોન્ટ્રાકટર શિવ શક્તિ એન્ટરપ્રાઈઝને આપવામાં આવેલ, જેની મુદત તા.૩૧/૦૫/૨૦૨૩ ના પુર્ણ થઇ હોવાથી કોન્ટ્રાકટર ધ્વારા ફરીને કોન્ટ્રાકટની મુદત ૧(એક) વર્ષ માટે લંબાવી આપવા માંગણી કરવામાં આવતાં પ્રમુખે જ.ક.ની અપેક્ષાએ મંજુર થયેલ જુના મંજુર થયેલા ભાવે અને તેમાં નિયત થયેલ શરતોને આધિન કોન્ટ્રાકટની મુદત ૧(એક) વર્ષ વધારી આપવાનું મંજુર કરેલ. જે કરેલ કાર્યવાહીને બહાલી આપવા અંગે નિર્ણય થશે
સંસદસભ્યની સને ૨૦૨૨-૨૩ ના વર્ષની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૫ કેદારેશ્વર મંદિરના સાર્વજનિક ચોકમાં પ્રથમ માળે કોમ્યુનિટી હોલ બનાવવાના કામ માટે રૂા ૪,૫૦,૦૦૦/- ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.આ મંદિરનો વહિવટ મામલતદાર(શહેર), હસ્તક હોય તેથી પ્રથમ તેમનું એન.ઓ.સી. મેળવીને કામ કરાવવા બાબતે નિર્ણય થશે
હિન્દુસ્તાન પ્રોજેકટને શહેરમાં પેવર બ્લોકની કામગીરી તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને જે કામ હાલ પ્રગતીમાં છે. જેમાં ટેન્ડરમાં ફેબ્રીકેશનના ઢાંકણા છે જે બાબતે થયેલ ચર્ચા અનુસાર ઢાંકણા કાઢી જવાના બનાવ બનતા હોય તેથી ત્યાં અકસ્માત થવાનો સંભવ હોય જેથી તેમની જગ્યાએ હેવી આર.સી.સી. ફ્રેમ અને ઢાંકણા નાંખવા જણાવેલ હોય તેમજ આ કામમાં મેનહોલ તેમજ હાઉસ ચેમ્બરના રોડ લેવલની આઈટમોનો ઈ–ટેન્ડરમાં સમાવેશ કરેલ ન હોય, જેથી તે જગ્યાએ ખાડા રહે છે જેથી ત્યાં પણ અકસ્માત થવાનો સંભવ રહેતો હોય, સબંધીત કામો બાબતે એસ.ઓ.આર.આર.એ. મુજબ કામગીરી ક૨વા એજન્સી તરફથી સહમતી આવેલી હોય, જેથી આ કામ અંગે પણ નિર્ણય થશે.
જો કે પાણી પુરવઠા યોજના ની મરામત અને નિભાવણી નો કોન્ટ્રાક્ટ તા ૩૧-5 ના રોજ પૂર્ણ થયો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ ન હતી અને હવે એકાએક મુદત માં એક વર્ષ નો વધારો કરવા ઠરાવ પસાર થશે જેને લઇ ને અનેક સવાલો ઉઠી રહ્યા છે. એકાએક બેઠક બોલાવતા કદાચ પ્રમુખ ને એવો અંદાજ આવી ગયો હશે કે આગામી પ્રમુખ તેમના રબ્બર સ્ટેમ્પ નહી હોય તેના કારણે અધૂરા કામો પૂર્ણ કરવા ઉતાવળ માં બેઠક બોલાવાઈ હોવાનું પણ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. ત્યારે હવે નવા પ્રમુખ ને લઇ ને પણ રાજકીય સમીકરણો બદલાયા હોવાથી અત્યાર સુધી માં ચર્ચા માં રહેલા નામો ના બદલે પ્રમુખ તરીકે કોઈ ચોકાવનારું નામ સામે આવે તો પણ નવાઈ નહી.