પોરબંદરના સુખપુર (હાથીયાણી) ગામની સરકારી પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપના ને ગ્રામજનો એ શાળાના વિકાસ કામો માટે રૂ।. ૧,૫૧,૧૫૧ નો ફાળો એકત્ર કર્યો હતો.
સુખપુર શાળાની સ્થાપના વિક્રમ સવંત 2010 ના શ્રાવણ વદ ત્રીજના મંગળવારના તા. 17-08-1954 માં થઈ હતી. તે સમયે શાળામાં ધોરણ 1 થી 3 હતા તે સમય ના પ્રથમ શિક્ષક આચાર્ય અરજનભાઈ પૂંજાભાઈ ઓડેદરા હતા. અને 20 વિદ્યાર્થીઓથી શાળાની શરૂઆત હતી. ત્યારબાદ ક્રમશઃ 8 ધોરણ સુધી શાળાને મંજૂરી મળતી ગઈ અને આજ સુધીમાં શાળામાં 37 થી વધુ શિક્ષકો શાળામાં પોતાની સેવા આપી જ્ઞાન યજ્ઞમાં મહત્તમ વિશેષ ફાળો આપ્યો છે.
સુખપુર પ્રાથમિક શાળાના 70 માં શાળા સ્થાપના દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને કેક દ્વારા ઉજવણી કરવાના બદલે તમામ બાળકોને દાતા નિવૃત શિક્ષક નટુભાઈ રવજીભાઈ જોષી (મૂળ ભારવાડા) તરફથી નાસ્તો ગરમ રહી શકે તેવું બોક્સ અને ચોકલેટ આપવામાં આવી હતી. આ સાથે વિશેષ વાત એ કે શાળાના શિક્ષક પરેશભાઈ એમ. જોષી ને શિક્ષણ વિભાગ – ગુજરાત દ્વારા ૧૫મી ઓગષ્ટના રોજ પ્રતિભાશાળી શિક્ષક તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો હોય એ ખુશી બદલ તેઓએ બાળકોને ઇનામ અને જમણવાર આપ્યું હતું.
આ તકે શાળાના આચાર્યા પ્રભાબેન વી. માકડીયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ ગાંધીનગર તરફથી શાળાના બન્ને શિક્ષકશ્રી પરાગભાઈ એચ. જોષી અને પરેશભાઈ એમ. જોષી ને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ પ્રાપ્ત થયો છે જે ગામ અને શાળા પરિવાર માટે ગૌરવ લેવા જેવી બાબત છે. 70 માં શાળા સ્થાપનાદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુખપુર (હાથીયાણી) ગામના લોકો શાળાના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા હોય છે આ અવસરે નોંધનીય બાબત એ બની કે ગામના દરેક લોકો શાળાના વિકાસના કાર્યો માટે જોડાયા અને 1,51,151/- (એક લાખ એકાવન હજાર એક સો એકાવન રૂપિયા ) આટલી માતબર રકમનો ફાળો સરપંચ મેરામણભાઈ રામભાઈ મોઢવાડીયા અને શાળાના શિક્ષક સામતભાઈ બી. મોઢવાડીયાની આગેવાની હેઠળ એકત્ર કરવામાં આવ્યો છે. આ ફાળાની રકમનો ઉપયોગ શાળાના વિકાસના કાર્યોમાં કરવામાં આવશે તેમજ બાળકોને ઉત્તમ સુવિધાનો લાભ મળશે. આ તકે સૌ ગ્રામજનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

