Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઇલ બેલેટ પેપરની મદદથી મતદાનની ગુપ્તતા સાથે આપી શકશે મત:તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા

મતદાતા લોકશાહીનો પ્રાણ છે, ભારતનું ચૂંટણી પંચ એક પણ નાગરિક મત અધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે, ત્યારે પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો કેવી રીતે મતદાન કરે છે, તે જાણવું રસપ્રદ છે. પોરબંદર જિલ્લાના બે વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૩૩૫ જેટલા પ્રજ્ઞા ચક્ષુ મતદારો નોંધાયેલા છે, આ મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. સાથે જ આ દ્રષ્ટિહિન મતદાતા મતદાન મથક પર જઈને મત આપી શકશે.

આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણીના  માર્ગદર્શનમાં સંબંધિત નોડલ અધિકારી -ટીમ દ્વારા દિવ્યાંગ સહિતના મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી દિશાનિર્દેશ આપવાની સાથે સમીક્ષા કરી રહ્યા છે. બ્રેઈલના જાણકાર હોય તેવા દ્રષ્ટિહિન મતદાર સાથીદારની સહાય વિના મત આપી શકે તે માટે બેલેટ યુનિટ પર દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટન (વાદળી બટન)ની જમણી બાજુએ બ્રેઈલમાં નંબર દર્શાવવામાં આવે છે, આ સુવિધાનો પ્રજ્ઞા ચક્ષુ મતદાર ઉપયોગ કરી શકે તે માટે બ્રેઈલમાં  બેલેટ પેપર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉમેદવારનો ક્રમાંક, ઉમેદવારનું નામ અને પક્ષનું નામ બ્રેઈલમાં છાપવામાં આવે છે. જેની મદદથી  મતદાર પોતાના પસંદગીના ઉમેદવારનો ક્રમાંક જાણી બેલેટ યુનિટ પર બ્રેઈલમાં દર્શાવેલ ઉમેદવારના ક્રમાંક પરથી પોતાના પસંદગીના ઉમેદવારના ક્રમાંકને આધારે મત આપી શકે છે. બ્રેઈલના જાણકાર હોય તેવા  મતદાર મતદાનની ગુપ્તતા ભંગ થયા વગર મત આપી શકશે. આ માટે બ્રેઇલમાં તૈયાર કરેલ બેલેટ પેપર દરેક મતદાન મથક દીઠ એક પૂરું પાડવામાં આવે છે.

નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હિતેશ એસ. પટેલના જણાવ્યા મુજબ સમાજ કલ્યાણ વિભાગની ૨૦ કર્મચારીઓની ટીમ પોરબંદર જિલ્લામાં નોંધાયેલ ૩૩૫ પ્રજ્ઞાચક્ષુ મતદાર સુધી પહોંચશે, અને તેઓને મતદાન કરી આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા ઉત્સાહિત કરશે.

પ્રજ્ઞાચક્ષુઓને મતદાન કરવા માટે મતદાનના સ્થળ પર પહોંચવા અને પરત જવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. તેમજ તેઓ માટે હેલ્પર અને વોલેન્ટિયરની સગવડ ઉપલબ્ધ કરાશે. લાઈનમાં ઊભા રહ્યા વગર સીધું મતદાન કરવાની સાથે પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. સાથોસાથ તેઓની કોઈ પ્રકારની મતદાન લક્ષી સેવાની જરૂરિયાત હશે તો બીએલઓ અથવા સક્ષમ એપ મારફત માંગણી કરશે તો તેમને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. નોડલ ઓફિસર હિતેશ એસ. પટેલના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લામાં ૩૩૫ પ્રજ્ઞાચક્ષુ મતદારો છે. જેમાં પોરબંદર વિધાનસભામાં ૧૨૯ અને કુતિયાણા વિધાનસભામાં ૨૦૬ પ્રજ્ઞાચક્ષુ મતદારો નોંધાયેલા છે. જેમાં પોરબંદર વિધાનસભા ભાગ નંબર ૧૭૧ પોરબંદર શહેરનું એસટી રોડ ઇસ્ટમાં બુથ નંબર ૫૪ માં સૌથી વધુ ૧૨ પ્રજ્ઞાચક્ષુ મતદારો અને કુતિયાણા વિધાનસભામાં ભાગ નંબર ૧૯૬ કુતિયાણા શહેર બસ સ્ટેશન નજીક આવેલ બુથ નંબર ૧૦માં કુતિયાણા વિધાનસભાના સૌથી વધુ ૨૮ પ્રજ્ઞાચક્ષુ મતદારો નોંધાયેલા છે.

તમામ દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ મતદારો સાથે પોલિંગ સ્ટાફના કર્મચારીઓને કેવી રીતે સહાયતા કરવી તેમની તાલીમ આપવામાં આવી છે. આમ, લોકશાહીના મહાપર્વ મતાધિકારના ઉપયોગ થકી જ સાર્થક થતું હોય છે, જ્યારે દરેક નાગરિક અચૂક મતદાન કરે અને લોકશાહી વ્યવસ્થામાં ભાગીદારી નોંધાવે તે માટે હંમેશા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર જિલ્લા ચૂંટણી તંત્રએ પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે