ભાણવડના સાજડીયારી ગામની તથા હાલ યુ.કે.રહેતી એન.આર.આઇ. મહિલા પોરબંદરમાં તેના પતિ સાથે રિક્ષામાં બેઠી હતી ત્યારે બે મહિલાઓ દ્વારા તેના ૮ લાખ થી વધુ મુદામાલ ભરેલ પર્સની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ચોરી કરનાર મહિલાઓ રતલામ થી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે.
મૂળ ભાણવડ ના સાજડીયારી ગામની તથા હાલ યુકે રહેતી માલીબેન જીવાભાઇ કેશવાલા(ઉવ ૬૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ બ્રિટિશ સિટિઝન છે અને તેના પતિ જીવાભાઇ અધુરભાઈ કેશવાલા સાથે તારીખ 3/11 ના યુકે થી પોરબંદર આવ્યા છે અને હાલમાં એચ.એમ.પી.કોલોની પાસે તેના પતિના મિત્ર ના ફ્લેટમાં રોકાયા છે.
તારીખ 12 ના સવારે 10:30 વાગ્યે તેઓ પતિ સાથે સુદામા ચોકમાં ખરીદી કરવા માટે એચ. એમ.પી. કોલોની પાસેથી રિક્ષામાં બેઠા હતા. અને એ રિક્ષામાં પોરબંદરના સત્યનારાયણ મંદિર પાસે પહોંચી ત્યારે ત્યાંથી બે મહિલા તેના બે બાળકો સાથે બેઠી હતી અને ત્યારબાદ રીક્ષા સુદામા ચોકમાં પહોંચી ત્યારે માલી બેને ભાડા ના પૈસા આપ્યા બાદ બેગ ચેક કરતા તેમાંથી નાનું પર્સ ગાયબ થઈ ગયું હતું. પર્સ માં જુદા જુદા પ્રકારના સ્કોટલેન્ડ સહિતની બેંકના કાર્ડ,પાનકાર્ડ,વિમાકાર્ડ,મેડિકલ કાર્ડ,વિઝા કાર્ડ ઉપરાંત 45000 રૂપિયાની રોકડ અને યુકેના 500 પાઉન્ડ કે જેની ભારતીય ચલણમાં 53,000 ની કિંમત થવા જાય છે તે હતા એ સિવાય 105 ગ્રામ વજન ધરાવતા સોનાના બે ચેન, 15 ગ્રામ વજનની સોનાની બે વીંટી સહિત સોનાના 120 ગ્રામ દાગીના કે જેની કિંમત 7,20,000 થવા જાય છે તે હતા.
આમ દાગીના તથા રોકડ મળી કુલ ૮ લાખ 18 હજારનો મુદ્દામાલ રિક્ષામાં બેસેલી બે અજાણી મહિલાઓ એ ચોરી લીધો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ ચોરી કરનાર બન્ને મહિલાઓ સામે અગાઉ એમપી ના રતલામ માં ગુન્હો નોંધાયો હોવાનું અને તેઓ ત્યાં ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. ત્યારે પોલીસે બન્ને મહિલાઓ ને પોરબંદર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.