પોરબંદરના ઓડદર નજીક ૩ દિવસ પહેલા દરિયાકિનારેથી પોલીસે બિનવારસુ ચરસના બે પેકેટ કબ્જે કર્યા હતા. અનેક જગ્યાએ આ પ્રકારે બિનવારસુ જથ્થો રાજ્યના દરિયાકાંઠેથી પોલીસને પ્રાપ્ત થઇ રહ્યો છે ત્યારે શનિવારે ટુકડા ગોસા નજીક દરિયાકાંઠે પણ હસીસનું એક પેકેટ મળી આવ્યુ છે. જેથી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદર એસઓજીની ટીમ દરિયાઈ પટ્માટી પર પેટ્રોલીંગ અને ચેકિંગ માં હતી ત્યારે ટુકડા ગોસા નજીક દરિયાકિનારે શંકાસ્પદ હાલતમાં એક પેકેટ નશીલા પદાર્થના હોવાનું પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક તેનો કબ્જો લીધો હતો અને તપાસ કરવામાં આવતા આ પેકેટ મારીઝુઆના હસીસનું હોવાનું જાણવા મળ્યુ હતુ.
દ્વારકા સહિતના વિસ્તારોમાં રેઢા ચરસના પેકેટ મળી રહ્યા છે એ જ રીતે ૩ દિવસ પહેલા હાર્બર મરીન પોલીસ મથક વિસ્તારમાં પણ ઓડદર પાસે બે પેકેટ ચરસના પ્રાપ્ત થયા હતા અને હવે ટુકડા ગોસા ના દરિયાકિનારેથી એક પેકેટ મળી આવ્યુ છે. જેનું વજન ૧ કિલો અને ૩૫૦ ગ્રામ તેમજ તેની અંદાજીત કીમત રૂ ૨ લાખ ૧ હજાર ૭૫૦ રૂ છે ખાસ કરીને ગુજરાતના દરિયામાં અનેક જગ્યાએ દરિયાના તોફાની મોજા દ્વારા સમુદ્રના કાંઠે આ પ્રકારના ચરસના પેકેટ મળી રહ્યા છે ત્યારે સમુદ્રમાંજ કોઇએ મોટીમાત્રામાં જથ્થો ફેંકયો હોવાની શક્યતા જણાઇ રહી છે. ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
દેશના દુશ્મનો દ્વારા ભારત દેશને આંતરીક ખોખલો કરવાની મનેચ્છાઓનુસાર ભારત દેશમાં ડ્રગ્સ ઘસાડવાના પ્રયત્નોને ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાને લીધે તેઓ તેમની મનેચ્છા પરિપૂર્ણ નહી કરી શકતા હોવાના કારણે ડ્રગ્સના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોય અને આ દરિયામાં ફેંકેલ ડ્રગ્સનો જથ્થો દરિયાના પ્રવાહમાં તણાઇને આવતો હોય છે. જે પૈકીનો ડ્રગ્સનો કેટલોક જથ્થો દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં મળી આવેલ હોય જે અનુસંધાને તકેદારીના ભાગરૂપે ઓડદર દરિયાકિનારા વિસ્તારમાં અને હવે ટુકડા ગોસા નજીકના દરિયાકિનારે એક પેકેટ મળી આવ્યુ છે ત્યારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
કયાંય શંકાસ્પદ ચીજવસ્તુ જણાય તો પોલીસને તાત્કાલિક જાણ કરો
પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતા તથા પગદંડીયા માચ્છીમાર ભાઇઓને અપીલ કરવામાં આવે છે કે દરિયા કિનારે આવા કોઈ પેકેટ કે અન્ય કોઇપણ બિનવારસુ ચીજવસ્તુ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન તથા પોલીસ કંટ્રોલરૂમ નં. -૦૨૮૬-૨૨૪૦૯૨૨ ઉપર તથા કોસ્ટલ સીકયુરીટી ટોલ ફ્રી નં. ૧૦૯૩ ઉપર જાણ કરવી.