પોરબંદર ના ભારવાડા નજીક અજાણ્યા વાહન હડફેટે ન્યુઝ પેપર એજન્ટ નું મોત થતા બગવદર અને આસપાસ ના પંથક માં શોક નું મોજું ફરી વળ્યું છે.
બગવદર ગામે રહેતા મુરુભાઈ દેવાભાઈ ગોરાણીયા (ઉવ ૫૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના સાઢુભાઈ માલદેભાઈ ગીગાભાઈ ગોઢાણીયા બગવદર ગામે ન્યુઝ પેપર ની એજન્સી ધરાવે છે. તેઓ વહેલી સવારે છ વાગ્યે છાપા નું પાર્સલ લેવા માટે બગવદર થી પોરબંદર તરફ બાઈક લઇ ને આવી રહ્યા હતા. ત્યારે બાબડા થી ભારવાડા જતા રસ્તે આવેલ સાંકડા પુલ પાસે કોઈ અજાણ્યા વાહને તેમના બાઈક ને હડફેટે લેતા તેઓ બાઈક સાથે ૫૦ થી ૬૦ ફૂટ દુર સુધી ફંગોળાયા હતા. અને ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. આથી તેમના મૃતદેહ ને પીએમ અર્થે સરકારી હોસ્પીટલે લવાયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. બનાવ ના પગલે બગવદર સહીત બરડા પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે.