Saturday, August 16, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સાંદીપનિ ખાતે નવરાત્રી અનુષ્ઠાન અને સેવા કેમ્પનો થયો પ્રારંભ:શ્રીમદ ભાગવત કથાનું પણ કરાયું આયોજન

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન, શ્રીમદ્ ભાગવત કથા, મેડીકલ કેમ્પ અને રાસ ગરબા સાથે ૪૩મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનનો મંગલ આરંભ થયો.

શ્રી હરિ મંદિરમાં સવારે મંગલા આરતી બાદ વિધિવત પૂજન સાથે મંદિરના સર્વે શિખરો પર વિધિવત નૂતન ધ્વજારોહણ વિધિ કરવામાં આવી અને સાથે નવરાત્રિના પ્રથમ દિવસે મા કરુણામયીનું યજમાન દ્વારા વિધિવત ષોડશોપચાર પૂજન પણ કરવામાં આવ્યું. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં આજે સવારે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન પૂર્વે પૂજ્ય ભાઇશ્રીની પાવન ઉપસ્થિતિમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી ભગવદીયા શ્રી બજરંગલાલ તાપડિયા અને પરિવાર મુંબઈ દ્વારા શ્રીરામચરિત માનસ અને ભાગવત મહાપુરાણ બંને પોથીશ્રીઓનું પૂજન કરીને પોથીયાત્રા સંપન્ન કરાઈ હતી.

શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનના પ્રારંભ પૂર્વે પૂજ્ય ભાઈશ્રી અને યજમાન પરિવાર દ્વારા મા શૈલપુત્રી સ્વરૂપી કુમારિકાનું પૂજન કરવામાં આવ્યું. અનુષ્ઠાનના આરંભ થાય એ પહેલા ઋષિકુમારો દ્વારા શાન્તિસૂક્તનો સસ્વર વેદપાઠ કરવામાં આવ્યો.

શ્રીરામચરિત માનસપાઠ પૂર્વે પૂજ્ય ભાઈશ્રીનું ઉદ્બોધન

૪૩માં શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીરામચરિત માનસ પાઠના પ્રારંભ પૂર્વે પૂજ્ય ભાઈશ્રીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભગવાન શ્રીહરિ, કરુણામયી માં ભગવાન ચન્દ્રમૌલીશ્વર, શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે દેવતાઓને પ્રણામપૂર્વક તેઓની કૃપાથી ચાલતી આ શારદીય નવરાત્ર અનુષ્ઠાન યાત્રાનો આનંદ પણ છે અને આશ્ચર્ય પણ છે કે આજે આ અનુષ્ઠાનયાત્રા ૪૩માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે આ સાતત્ય માત્રને માત્ર માં ભગવતીના અનુગ્રહનો જ પ્રસાદ છે.

આ વર્ષે, જ્યાં સુધી મને યાદ છે, કદાચ ત્રીજી વખત આપણા ભગવદીય જેમને આપણે પ્રેમથી દાદાજી, કહીએ છીએ, એવા સાંદીપનિના સમર્પિત સેવક શ્રી બજરંગલાલજી તાપડિયા અને તેમનો પરિવાર, તેમના સકારણ અતિઆગ્રહને કારણે આ મનોરથીનો અવસર એમને ત્રીજી વખત પ્રાપ્ત થાય છે. સકારણ એટલા માટે કહું છું કારણ કે દાદાજી તેમની જીવનયાત્રાના 90 વર્ષ પૂરા કરી રહ્યા છે. અને તેઓના મનમાં રહે છે કે હવે હું જ્યાં સુધી છું ત્યાં સુધી મને વધુ સેવાનો અવસર આપો અને અમે કહીએ છીએ કે તમે શતાયુ બનીને શ્રી હરિની સેવા કરતા રહો. આ રીતે તેઓની શ્રધ્ધાથી એમના ભાવથી અને પ્રેમાગ્રહના કરને આ સતત ત્રીજી વાર અવસર પ્રાપ્ત થયો છે.
અમારી યજ્ઞસેના વૈદિક રિચ્યુઅલ ટીમ દેશ-વિદેશમાં વસતા ભક્તોના મનમાં જે આનુષ્ઠાનિક ભાવ છે તે માટે થઈને અમે સૌ સાથે મળીને પુરા-વિધિ વિધાન સાથે, વિધિ પ્રત્યે નિષ્ઠા સાથે, એક-એક યજમાનના એક-એક બ્રાહ્મણ રાખીને જે-તે મનોરથીના નામનો સંકલ્પ કરીને અનેક ઋષિકુમારો અને બ્રાહ્મણો મળીને શારદીય નવરાત્રિ દરમિયાન સાંદીપનિના ભક્તોના મનમાં જે ભાવના છે અને તેઓ જે-જે અનુષ્ઠાન કરવા માંગે છે તેના માટે આ વ્યવસ્થા માં ભગવતીની કૃપાથી સારી રીતે શરુ થઇ ગઈ છે. શારદીય નવરાત્રિ ગુજરાત, કોલકાતા અને પુરા ભારતભરમાં અને એ સિવાય જ્યાં-જ્યાં સનાતન ધર્માવલંબી છે. ત્યાં બધે જ ખુબ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં વિશેષ રૂપે ઉજવવામાં આવે છે. અહિયાં સાંદીપનિમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી બંગાળની પરંપરા અનુસાર મા મહિષાસુરમર્દિનીનિ દિવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. અને બંગાળની પરંપરા મુજબ વિધિ કરનારા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે. અને તે અનુસાર એક અલગ રીતે શારદીય નવરાત્ર અનુષ્ઠાન કરવામાં આવે છે. સપ્તશતી, દેવીભાગવત પાઠ, નવાર્ણમંત્ર પાઠ વગેરે અનુષ્ઠાન કરાવવામાં આવે છે. શાસ્ત્રવિધિ અનુસાર વિવિધ આનુષ્ઠાનિક કર્મ આજથી સંપન્ન કરાવાવમાં આવી રહ્યા છે. પ્રતિદિન અપરાહ્ન સત્રમાં 3:૩૦થી જેના શ્રીમુખેથી શ્રીમદ્ ભાગવત કથાના દિવ્યશ્રવણનો સૌને લ્હાવો મળવાનો છે એવા પૂજ્ય શ્રીધરાચાર્યજીનું પૂજ્ય ભાઈશ્રીએ શાબ્દિક સ્વાગત અભિવાદન કરીને માનસપાઠનો પ્રારંભ કર્યો હતો.

શ્રીમદ્ ભાગવત કથાનો દિવ્ય પ્રારંભ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત બપોર પછીના સત્રમાં યજમાન પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવતપોથીજીનું પૂજન તથા કથાવ્યાસ અયોધ્યાના અશર્ફીભવનથી પધારેલા જગદગુરુ રામાનુજાચાર્ય સ્વામીશ્રી શ્રીધરાચાર્યજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું. જગદગુરુ પૂજ્ય રામાનુજાચાર્ય સ્વામીશ્રી શ્રીધરાચાર્યજી મહારાજ દ્વારા શ્રીમદ્ ભાગવતકથાનો પ્રારંભ કરવામાં આવ્યો.

શ્રીહરિ મંદિરમાં દિવ્ય ઝાંકીના દર્શન
શ્રીહરિ મંદિરમાં શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે માં કરુણામયીના દિવ્ય ઝાંકી દર્શન યોજાયા હતા અને સાયં આરતી બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગરબાનું પંચોપચાર પૂજન કરીને ગરબો પ્રગટાવામાં આવ્યો હતો અને પ્રાચીન ગરબાના ગાન સાથે દિવ્ય રાસ-ગરબા યોજાયા હતા.

માં મહિષાસુર મંડપ સ્થાપના તથા વિવિધ મનોરથોનો પ્રારંભ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત આજે સાંદીપનિની વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વરા મા ભગવતીની આરાધના સ્વરૂપે માં મહિષાસુરમર્દિનીના મંડપ સ્થાપના તેમજ પૂજન-અર્ચનવિધિ સંપન્ન કરવામાં આવી. આ સાથે વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા શારદીય નવરાત્રના ઉપલક્ષ્યમાં માં ભગવતીના વિવિધ મનોરથનો પણ આરંભ થયો હતો. આ મનોરથમાં જોડવા માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે.

મેડીકલ કેમ્પ
દંતયજ્ઞ પ્રારંભ
આજે શારદીય નવરાત્રિના પ્રારંભે પ્રથમ દિવસે માનવસેવા રૂપે આયોજિત નવ દિવસીય દંતયજ્ઞ કેમ્પનો પૂજ્ય ભાઈશ્રી, મનોરથી પરિવાર અને ડૉકટરની ટીમ દ્વારા દીપ પ્રાગટય સાથે પ્રારંભ કરવામાં આવ્યો. આ દંત ચિકિત્સા દંતવૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરીયલ કલીનીક, ગવરીદળ, રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય ડો.હર્ષદભાઈ જોશી, ડૉ. સરોજબેન જોશી અને ટીમ દ્વરા કરવામાં આવશે. આ દંતયજ્ઞ તા.૧૧-૧૦-૨૪ સુધી પ્રતિદિન સવારે ૯:૩૦થી ૧:૦૦ સુધી ચાલુ રહેશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે