પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અનેક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ચાલી રહ્યો છે. જેના અનેક લોકો લાભ લઇ રહ્યા છે. આજે નવરાત્રિના સાતમા દિવસે પ્રતિદિન મુજબ શ્રીહરિ મંદિરમાં સર્વ શિખરો પર નુતન ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, ઋષિકુમારો દ્વારા માં કરુણામયી સમક્ષ દુર્ગા-સપ્તશતી પાઠ વગેરે સંપન્ન થયા હતા. પૂજ્ય ભાઈશ્રી અને નવરાત્રિ ઉત્સવના મુખ્ય મનોરથી દ્વારા સાતમા નોરતે કુમારિકા પૂજન અને શ્રીહરિની બગીચીમાં સ્થિત મહિસાસુરમર્દિની માતાજીની પંચોપચાર પૂજા કરવામાં આવી.
શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન
અનુષ્ઠાન પૂર્વે મનોરથી પરિવાર દ્વારા પૂજ્ય ભાઈશ્રી અને શ્રીરામચરિત માનસ પોથીજીનું પૂજન કરવામાં આવ્યું અને એ સાથે મંગલાચરણ સાથે શ્રીરામ ચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો.
લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાયા મેડીકલ કેમ્પ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અંતર્ગત નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી પોરબંદરની લાયન્સ હોસ્પિટલ ખાતે તા. ૨૧-૧૦-૨૩ શનિવારના રોજ સંપૂર્ણ દિવસ દરમ્યાન પલ્મોનોલોજી કેમ્પ અને કાર્ડિયોલોજી કેમ્પ યોજાયા હતા. આ સેવાકીય મેડીકલ કેમ્પનો મંગલ પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો. જેમાં નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી પરિવારના શ્રીમતી નીનાબેન ગાંધી, અનુજભાઈ કાપડીયા, પોરબંદરના સિવિલ સર્જન ડૉ. તિવારી , કેમ્પમાં સેવા આપનારા ડો. જયેશભાઈ ડોબરિયા (પલ્મોનોજીસ્ટ) રાજકોટ, ડૉ. શ્રેણિક દોશી (કાર્ડિયોલોજીસ્ટ) રાજકોટ , લાયન પ્રમુખ નિધિબહેન શાહ અને ટીમ, શ્રી મહેશભાઈ ઠકરાર (યુ.કે.), શ્રી અશોકભાઈ મધુસુદનભાઈ મહેતા, ડૉ. કમલ મહેતા, ડૉ. સુરેશભાઈ ગાંધી, ડૉ. ભરતભાઈ ગઢવી જોડાયા હતા.
પલ્મોનોલોજી કેમ્પમાં પલ્મોનોલોજીસ્ટ ડૉ. જયેશભાઈ ડોબરિયા રાજકોટ અને એમની ટીમ દ્વારા દર્દીઓને ૪૮ તપાસવામાં આવ્યા હતા. જયારે કાર્ડિયોલોજી કેમ્પમાં કાર્ડિયોલોજીસ્ટ ડૉ. શ્રેણિક દોશી અને એમની ટીમ દ્વારા ૬૧ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન ૪ એક્સ-રે, ૧૧ ઈ.સી.જી. ૬ સી.ટી.સ્કેન, ૧૬ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (પી.એફ.ટી.), ૮ ટુ ડી ઇકો અને ૧ સોનોગ્રાફી જેવી ખર્ચાળ સુવિધાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડીને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. જે વિશેષ નોંધનીય છે. પલ્મોનોલોજી કેમ્પના મનોરથી તરીકે સાંદીપનિના ટ્રસ્ટી અને સંનિષ્ઠ સેવક બજરંગલાલજી તાપડીયાજીએ સ્વ. રતનદેવી બજરંગલાલ તાપડીયાની સ્મૃતિમાં સેવા આપી હતી.
જ્યારે કાર્ડિયોલોજી કેમ્પના મનોરથી તરીકે નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી દર્શનાબેન દિનેશભાઈ કાપડીયા (યુ.એસ.એ.) એ સેવા આપી હતી.
પૂજ્ય ભાઈશ્રી દ્વારા આજના અનુષ્ઠાનને જયારે વિરામ આપવામાં આવ્યો ત્યાર પછી કેમ્પમાં સેવા આપવામાં આવેલ સર્વે ડોક્ટર્સનું પૂજ્ય ભાઈશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ કેમ્પના આયોજન માટે ડો ભરતભાઈ ગઢવીએ જહેમત ઉઠાવી હતી. તો એ સાથે સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક નંદલાલભાઈ પાઠક અને સાંદીપનિ ગુરુકુળના દેવજીભાઈ ઓડેદરા અને ઋષિકુમારો એ પણ ઉમદા સેવા આપી હતી.
શ્રીહરિ મંદિરમાં જલ-પુષ્પાભિષેક મનોરથ
શારદીય નવરાત્રિ છટ્ઠા નોરતે શ્રીહરિ મંદિરમાં સાયં આરતી બાદ કરુણામયી માંનો જલ-પુષ્પાભિષેક મનોરથ સંપન્ન કરવામાં આવ્યો. પૂજ્ય ભાઈશ્રી અને મનોરથી બજરંગલાલ તાપડીયાજી દ્વારા કરુણામયી માં ને પંચામૃતથી અને કેસર-મિશ્રિત જલ દ્વારા તેમજ વિવિધ ફળ ના રસ અને વિવિધ સુગંધિત પુષ્પો વડે શાસ્ત્રોક્ત વિધિ સાથે અભિષેક કરવામાં આવ્યો. આ દિવ્ય અભિષેકવિધિની ઝાંખીના દર્શન કરવા માટે અનેક ભક્તો પ્રત્યક્ષ અને સોશ્યલ મીડિયા ના માધ્યમથી પરોક્ષ રીતે જોડાયા હતા.
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન સાથે વિવિધ મનોરથ
સાંદીપનિમાં શારદીય નવરાત્રિમાં ૪૨મા શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનની સાથે-સાથે યજ્ઞસેના ટીમ દ્વારા મા મહિષાસુરમર્દિનીનું સંપૂર્ણ વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે અને એ સાથે સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય બીપીનભાઈ જોશી દ્વારા સંપૂર્ણ શ્રીમદ્ દેવીભાગવતનું પાઠાત્મક અનુષ્ઠાન પણ કરવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત મા ભગવતીની આરાધના સ્વરૂપે વિવિધ મનોરથ જેવા કે સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્વતીદેવી સ્તોત્ર પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમયી દેવી સંકીર્તન જેવા વિશેષ મનોરથો શ્રીહરિ મંદિર, સાંદીપનિ યજ્ઞશાળામાં તેમજ શ્રીહરિની બગીચીમાં સંપન્ન થઇ રહ્યા છે. જેમાં અનેક દેશ-વિદેશના લોકો જોડાઈ રહ્યા છે. પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ચાલી રહેલા ૪૨મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં દેશ-વિદેશના શહેરોમાંથી તેમજ પોરબંદર અને આસપાસના ગામમાંથી અનેક ભાવિકજનો અનુષ્ઠાન અને મનોરથ-દર્શન, કથા શ્રવણ, રાસ-ગરબાનો દિવ્ય લાભ લઇ રહ્યા છે.






