પોરબંદર જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા તા.૧૪-૧૨-૨૦૨૪ ને શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતનો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજયના કાર્યકારી મુખ્ય ન્યાયમુર્તિ અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટીશ બી.એ.વૈશ્નવ દ્વારા તમામ કાનુની સેવા સત્તા મંડળ તથા કાનુની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપેલ છે.
આ લોકઅદાલતમાં રાજયના કોઈપણ જિલ્લા, તાલુકા ટ્રીબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્રદંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મુકી શકાય છે. જેથી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પોરબંદરના ચેરમેન અને જીલ્લા મુખ્ય ન્યાયાધીશ પી.સી.જોષી દ્વારા તથા જીલ્લા કાનુની સેવા સતા મંડળ, પોરબંદરના સેક્રેટરી એસ.એચ.બામરોટીયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પુર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મુકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે.
આ અવસરનો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનુની સેવા સત્તા મંડળની ઓફીસનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવો અથવા રાજય કાનુની સેવા સત્તા મંડળની વેબસાઇટનો સંપર્ક કરવો. લોક અદાલત એટલે લોકોની અદાલત ‘ના કોઈ નો વિજય ના કોઈનો પરાજય’ તેમ જણાવીને જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ઇન્ચાર્જ ફૂલ ટાઇમ સેક્રેટરી એમ.બી. દવેએ વધુને વધુ કેસ મૂકવામાં આવે તેવી અપીલ કરી હતી.