પોરબંદરમાં ડબલ મર્ડર ના આરોપીના ભાઈને મર્ડર ની ધમકી અપાતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરમાં પ્રાગાબાપાના આશ્રમ નજીક લક્ષ્મીનગરના ગરબી ચોકમાં રહેતા માલદે સવદાસભાઈ ચૌહાણ(ઉવ ૪૧)નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેનો નાનો ભાઈ રામભાઈ ચૌહાણ વર્ષ ૨૦૨૨ માં વીર ભનુની ખાંભી પાસે થયેલા ડબલ મર્ડરના ગુન્હાનો એક આરોપી હતો. અને ગત તા.૫/૭/૨૦૨૩ ના તેને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. જેમાં તેને પોરબંદર જીલ્લાની હદમાં પ્રવેશવાની મનાઈ છે. અને ગઈકાલે આ ગુન્હાની મુદત હોવાથી રામભાઈ પોરબંદરની કોર્ટમાં આવ્યો હતો. તેથી તેને મળવા માટે માલદે ત્યાં ગયો હતો,અને મળવા માટે હીરા મકવાણા,મિલન નાગાભાઈ ચૌહાણ પણ આવ્યા હતા
ત્યારે સામાવાળામાં હત્યાના બનાવનો ફરીયાદી વનરાજ પરબત કેશવાલા તથા તેનો ભાઈ વિજય ઉર્ફે કનુ પરબત કેશવાલા, પ્રકાશ પદુભાઈ જુંગી તથા કિશન બોખીરીયા વગેરે પણ કોર્ટમાં આવ્યા હતા, અને સાંજે પાંચેક વાગ્યે રામભાઈની મુદત પૂરી થતા તેને પોરબંદર જીલ્લાની હદ બહાર મુકવા માટે માલદેભાઈ, હીરા મકવાણા અને મિલન કાર લઇને નીકળ્યા હતા તથા રામભાઈ તેની કાર લઇને આગળ નીકળ્યો હતો. માલદે પોતાની કાર રામભાઈની કારની પાછળ પાછળ ચલાવતો હતો. એ દરમિયાન તેણે પાછળ જોયું તો વનરાજ કેશવાલા તથા તેના માણસો સ્કોર્પીયો અને ફોર્ચ્યુનર કારમાં પાછળ પાછળ આવતા દેખાયા હતા.
તેથી માલદે કલેકટર ઓફીસ થઇ પોલીટેકનીક ઓવરબ્રીજ નીચેથી સર્વિસ રોડ પરથી ધરમપુરના પાટિયે પહોચ્યો ત્યારે વનરાજની બંન્ને કાર પીછો કરતી હતી. અને માલદે ટોલનાકાની આગળ પહોચ્યો ત્યારે વનરાજ કેશવાલાએ કારને ઓવરટેક કરીને તેની કાર ધીમી પાડી હતી અને ડાબી સાઈડનો કાચ ઉતારીને માલદેને ધોકો બતાવી “તમે હાથમાં આવો તમને લોકોને પતાવી દેવા છે”,કહી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ પણ તે માલદેની કારની આગળ પાછળ કાર ચલાવતો હતો આથી માલદે તાત્કાલિક રાણાવાવ પોલીસ સ્ટેશન સામે પહોચ્યો હતો. અને કાર ઉભી રાખી દેતા વનરાજ ત્યાંથી કાર લઇ જતો રહ્યો હતો.અને માલદે એ વનરાજ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.