પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક માસ પહેલા મટન માર્કેટ નું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં દુકાનો માં સ્વચ્છતા સહીત જરૂરી બાબતો નો અભાવ જણાતા આ અંગે પાલિકા ને જાણ કરી હતી. આથી પાલિકા એ તમામ ધંધાર્થીઓ ને 7 દિવસ ની નોટીસ આપી કાર્યવાહી કરવા સુચના આપી છે.
પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગત નવેમ્બર-ડીસેમ્બર માસ માં મટન માર્કેટ નું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ નો અભાવ,અસ્વચ્છ સ્થિતિ માં વેચાણ વગેરે જોવા મળતા તમામ ૩૫ ધંધાર્થીઓ ને ફૂડ લાયસન્સ મેળવી લેવા તથા સ્વચ્છતા અંગે. જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. ઉપરાંત જીલ્લા માં મટન નું વેચાણ થતું હોય તેવા અન્ય ૧૪ સ્થળો એ પણ ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યાં પણ આવી જ સ્થિતિ જોવા મળતા ત્યાં પણ નોટીસ અપાઈ હતી. ત્યાર બાદ મટન માર્કેટ ના ૩૫ ધંધાર્થીઓ એ ફૂડ લાયસન્સ અંગે કાર્યવાહી ન કરતા પાલિકા ની માર્કેટ શાખા દ્વારા તમામ ધંધાર્થીઓ ને 7 દિવસમાં જરૂરી સ્વચ્છતા જાળવવા તથા લાયસન્સ મેળવી લેવાની આખરી નોટીસ પાઠવી છે. અને સાત દિવસ માં જરૂરી કાર્યવાહી નહી થાય તો સીલ મારવાની પણ ચીમકી આપી છે.