પોરબંદર માં હિરલબા જાડેજા અને તેના સાગરીતો ને સંડોવતા કરોડો રૂપિયાના સાઈબર ફ઼ાઈમના ગુન્હામાં મુંબઈ ખાતે રહેતા આરોપીના આગોતરા જામીન માટેની અરજી એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા રદ કરાઈ છે.
પોરબંદર સાયબર ક્રાઈમ ના પી આઈ વી.આર.ચાવડા એ હીરલબા જાડેજા, હીતેશ ઓડેદરા, પાર્થ સૌંગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ તથા રાજુ મેર વિરૂધ્ધ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તપાસ માં મુંબઈ ના સચિન કનકરાય મહેતા તથા મલાડ મુંબઈ રહેતા નૈતિક પરેશ માવાણી ની પણ સંડોવણી ખુલી હતી. તમામે સાથે મળી લોકો ને કપટપૂર્વક જાણીબુજીને ખોટા પ્રલોભનો આપી તેઓના નામે સેવિંગ્સ અને કરન્ટ બેંક ખાતાઓ અલગ-અલગ બેંકોમા ખોલાવી સાઈબર ફ્રોડના ભોગ બનનાર વ્યકિતઓ પાસેથી છેતરપિંડીથી નાણાંઓ બેંકના ખાતઓમાં મેળવી-ઉપાડી-ટ્રાન્સફર કરી નાંણા સગેવગે કરી નાખ્યા હોવાનું ખુલ્યું હતું.
અને ત્યારબાદ સાયબર ક્રાઈમ ના પી આઈ એસ.આર.ચૌધરીએ આગળની તપાસ કરતા આરોપીઓ દવારા અલગ-અલગ નામથી ભાડા કરારથી પેઢીઓ ખોલાવી પેઢીઓના નામે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો કરવામા આવ્યા હોય તેવું તપાસમા ખુલ્યું હતું તેમજ નૈતિક માવાણીની સ્પષ્ટ સંડોવણી ખુલી હતી આથી નૈતિકે પોતે આ ગુન્હામાં નિર્દોષ હોવાનું જણાવી આગોતરા જામીન ઉપર મુકત થવા કોર્ટમાં અરજી કરી હતી આથી તપાસ કરનાર અધિકારી પી આઈ એસ.આર.ચૌધરીએ આરોપીની આગોતરા જામીન ઉપર મુકત થવા સામે તપાસના કાગળો તથા વાંધા અંગેનું સોગંદનામું રજુ કર્યું હતું.
ત્યાર બાદ સરકારી વકીલ અનિલ.જે.લીલા એ દલીલ કરી જણાવ્યું હતું કે આરોપીની આ ગુન્હામાં સીધી સંડોવણી હોવાનું સાહેદના નિવેદન પરથી ફલિત થાય છે તેમજ આરોપી પોરબંદર ખાતે આવ્યો હતો તે અંગેના પુરાવાઓ મળી આવ્યા છે તેમજ નૈતીકે અન્ય આરોપીઓ સાથે મળીને લાલચો આપી ખાતેદારો પાસે બેંક ખાતાઓ ખોલાવામા આવ્યા હતા અને તેનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી જામીન ઉપર મુક્ત કરવાથી પુરાવા સાથે ચેડા થવાની શક્યતાઓ રહેલી છે આથી એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા દવારા આરોપી ની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.