પોરબંદર મનપા દ્વારા વિકાસ પરવાનગીમાં સિટી સર્વે ની હિસ્સા દુરસ્તી ફરજીયાત ન બનાવવા એસો.ઓફ એન્જીનીયર્સ એન્ડ આર્કિટેક્સ દ્વારા મ્યુની.કમિશ્નર ને રજૂઆત કરાઈ છે.
પોરબંદરના એસોસીએશન ઓફ એન્જીનીયર્સ અને આર્કેટીકટસ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયુ છે કે તા. ૧૧-૨-૨૦૨૫ ના રોજ સરકારના વટહુકમ મુજબ ડી.પી. વિસ્તારમાં પરવાનગી આપવા હુકમ આવેલો. પરંતુ છેલ્લા બે મહિનામા અમારા એન્જીનીયરો દ્વારા ડી.પી. વિસ્તારમાં અરજી આવેલ છે. પરંતુ પોરબંદર મહાનગરપાલિકાના ટી.પી.ઓ. દ્વારા સીટી સર્વે નંબરની પૈકીની જગ્યામાં જેમાં પ્રોપર્ટીકાર્ડ પણ આવી ગયેલ હોઇ તેમાં જે તે સર્વે નંબરની પૈકીના સીટી સર્વેમાં હિસ્સા દુરસ્તી કરાવી લાવવા માટેનો આગ્રહ ડોકયુમેન્ટ લેવલે રાખે છે. તેમજ આવી હિસ્સા દુરસ્તી કરી તેનું યુનિટ પ્રોપર્ટીકાર્ડ લઇને જ વિકાસ પરવાનગી આપવાનો આગ્રહ રાખે છે.
પરંતુ જ્યાં સર્વે નંબર બહુ મોટા હોય ત્યાં આ સીટ કઢાવવી મુશ્કેલ છે અને સીટી સર્વેમાં અરજી આપ્યા બાદ આવી હિસ્સા દુરસ્તી માટે ૧૨ થી ૧૫ માસનો સમય લાગી શકે છે. પોરબંદરમાં ઘણા વિસ્તારમાં હિસ્સા દુરસ્તી થયેલ નથી અને પોરબંદર મહાનગરપાલિકાનું ડી.પી. વિસ્તાર ઘણો નાનો છે અને તેમાં કામ પણ ઓછા છે અને જો હિસ્સા દુરસ્તી ફરજીયાત થાય તો કોઈપણ જાતની વિકાસ પરવાનગી મળી શકે તેમ નથી. જામનગર મહાનગરપાલિકાને પોરબંદર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે નીમવામાં આવેલ છે., જામનગર મહાનગરપાલિકામાં માલુમ કરતા આવુ હોઇ હિસ્સા દુરસ્તીનું ડોકયુમેન્ટ જરૂર નથી તેવું જાણવા મળેલ છે.
પોરબંદર વિસ્તારને મહાનગરપાલિકા તરીકે તા. ૧-૧-૨૫થી અમલીકરણમાં લાવેલ છે તો જુના પોરબંદર વિસ્તાર કે જે નગરપાલિકામાં સમાવિષ્ટ હતુ અને પોરબંદરની ભૌગોલિક પરિસ્થિતિ જોતા આવી હિસ્સા દુરસ્તી સીટીસર્વેમાં કરવામાં આવેલ નથી કે કરવામાં આવતી નથી. પોરબંદર સીટી સર્વેમાં રેગ્યુલર પ્રોપર્ટીકાર્ડની કામગીરીમાં પણ બહુ જ વિલંબ થાય છે. તેમાં વળી આવી હિસ્સા દુરસ્તીનું ડોકયુમેન્ટસ લાદવામાં આવશે તો વિકાસ પરવાનગીના કામમાં વિલંબ થશે અને વિકાસ પરવાનગી કોઇપણ મળી શકશે નહીં.વિકાસ પરવાનગીનું કામ ઝડપી બને તે માટે અગાઉ કરેલ રસ્તા આધારે એફીડેવીટને આધારે વિકાસ પરવાનગી, મંજૂરીની કાર્યવાહી થઇ શકે તે માટે આગળ ઘટતુ કરવા મહેરબાની કરશો.
ઉપરોકત પડતી સામાન્ય નાગરિકોની તકલીફ નિવારવા આપને અમારી નમ્ર અરજ છે. આ તકલીફ નિવારવા વચગાળાનો કોઈ રસ્તો કરી આપો. જેથી કરીને સામાન્ય નાગરિકનું સમયસર તેમના સપનાનું ઘર, મકાન બની શકે. અને જો પોરબંદરના વિકાસને વેગ આપી શકાય તેમ છે.
આ મુદ્દાને વિસ્તૃત રીતે ઉંડાણથી સમજાવતા રાજેશભાઈ લાખાણીએ જણાવ્યુ હતુ કે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ પરવાનગીઓમાં વધતી વિટંબણાઓ વધી છે. પોરબંદર-છાયા નગરપાલિકા હતુ ત્યારે બાંધકામ વિકાસ પરવાનગીઓ ટાઉનપ્લાનીંગ કમીટી દ્વારા સમયાંતરે મીટીંગો કરી આપવામાં આવતી હતી. આમાં નિયમોનો ભંગ થતો હોવાનું તેમજ ભ્રષ્ટાચાર થતો હોવાનુ જાણમાં આવતા રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન આવી પરવાનગીઓ આપવાનો આવકારદાયી નિર્ણય કરવામાં આવ્યો હતો.
આવી ઓનલાઇન પરવાનગી પ્રક્રિયાઓમાં પણ એક પછી એક મુશ્કેલીઓ ઉદ્ભવી રહી છે અને તેનું વ્યવહારુ નિરાકરણ લાવવા એન્જીનીયર અને આર્કીટેક એસોશીએશન પોરબંદર દ્વારા મ્યુનીસીપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આમ તો, પોરબંદર મહાનગરપાલીકા થવાથી ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની આવશ્યકતા ઉભી થયેલ છે પરંતુ રાજ્ય સરકાર એ વટહુકમથી પોરબંદર શહેરી વિસ્તાર પુરતા બનેલ ડી.પી. પ્લાન પુરતી બાંધકામ, વિકાસ પરવાનગીઓ આપવાની સુચના કરેલ છે. આવી અરજીઓ સાથે જોડવાના દસ્તાવેજોમાં ઉતરોત્તર ફેરફારો અને વધારા કરવામાં આવી રહેલ છે જેના કારણે પ્રજાજનોના કામ ખોરંભે પડી રહ્યા છે.
તાજેતરની આવી અરજીઓમાં ટાઉન પ્લાનર, પોરબંદર મહાનગરપાલિકા તરફથી સટી સર્વે કચેરીમાં માપણી શીટ સાઈટ માર્કીંગ સાથે મેળવવા અને રજુ કરવાની જાણ કરી પરવાનગીઓ પેન્ડીંગ રાખવામાં આવેલ છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે કોઈ મોટી મિલ્કતમાં વિભાજન કરી ટુકડા થયેલ હોય અને એવા એક વિભાગની પરવાનગી લેવાની હોય તો સીટી સર્વે વિભાગ એ આખી મિલ્કતની સ્થળ પર માપણી કરી હિસ્સા દુરસ્તી કરી યુનિટ પ્રોપર્ટીકાર્ડ બનાવવા પડે અને તેના આધારે માપણી સીટ આપી શકાય. સીટી સર્વે વિભાગ પર આમ પણ કામનું મોટુ ભારણ અને સ્ટાફની અછત રહેતી હોય ત્યારે આવા ખુબ મોટા કામ સમયમર્યાદામાં થઇ શકે આવી કોઇ શક્યતા જ નથી. તેનો વ્યવહારુ ઉકેલ લાગી વૈકલ્પિક આધારો રજૂ કરવાથી તે માન્ય રાખવા જોઇએ. પોરબંદર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે જામનગર મહાનગરપાલિકાને નિમણૂંક મળેલ છે. હાલ જામનગર મહાનગરપાલિકામાં આવુ કોઇ હિસ્સા દુરસ્તીનું ડોકયુમેન્ટ ફરજીયાત ગણવામાં આવતુ નથી તે મુજબ પોરબંદર માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી લોકોને પોતાના બાંધકામ માટે નિયમ મુજબની પરવાનગીઓ મળી જાય એન જી.ડી.સી.આર.ને સુસંગત બાંધકામ કરાવી શકાય તેવો પ્રબંધ કરવા પણ માંગણી કરવામાં આવેલ છે.