રાણાવાવ માં પુત્રી નો જન્મ થતા પતી સહીત સાસરિયાઓ દ્વારા મહિલા પર ત્રાસ ગુજારવામાં આવતા મહિલા એ ૧૮૧ અભયમ ટીમ ની મદદ માંગી હતી.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ગામમાંથી એક મહિલાએ ૧૮૧ અભયમમાં ફોન કરી પોતાની પુત્રીને સાસરીયાઓ ત્રાસ આપતા હોવાનું જણાવી મદદ માંગી હતી. જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી તેઓની પુત્રીને સાસરીયા પક્ષના સભ્યો ઘરે પણ આવવા નથી દેતા, ફોન પર વાત પણ કરવા નથી દેતા. જો પુત્રીને લેવા માટે જાય તો ખોટો આરોપ નાખી પોલીસ કેસ કરે છે તેમ જણાવી પુત્રીને તેમના સાસરી પક્ષના ત્રાસથી મુકત કરવા માટે એ મહિલાએ મદદ માંગી હતી.
ફોન મળતાની સાથે જ અભયમ ટીમ તાત્કાલીક આદિત્યાણા પોલીસ ચોકીના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગઈ હતી, ત્યારે મહિલા ગભરાયેલી હોવાથી ટીમે સાંત્વના આપી હતી અને જણાવ્યું હતું કે ૧૮૧ અભયમ ટીમ તેઓની સાથે જ છે, ચિંતા કરશો નહીં. ત્યારે એ મહિલાએ આપવિતી વર્ણવતા જણાવ્યું હતું કે ‘‘મારા પતિ તથા સાસરીવાળા મને વારંવાર માર મારે, ઘરની બહાર નીકળવા દેતા નથી. મારે ચાર માસની બાળકી છે તેને મારા સાસરીવાળા જ રાખે મને ટચ પણ કરવા નથી દેતા. મારે બાળકીનો જન્મ થયો તેના બીજા દિવસથી જ ઘરનુ બધું જ કામ કરાવતા, મારા પિયર પણ જવા દેતા નથી કે કોઈ સાથે વાત પણ કરવા નથી દેતા, જેથી મોકો મળતા જ મેં મારા પિયરવાળાને જાણ કરી હતી કે મને બચાવી લ્યો.. નહીં તો સાસરીવાળા મને મારી નાખશે. હાલ હું બાળકી સાથે મારા પિયર જવા જ માંગુ છું, સાસરીમાં નથી રહેવું’’
જેથી આદિત્યાણા પોલીસ ચોકીના પી.એસ.આઈ, જમાદાર તથા ૧૮૧ ટીમના કાઉન્સેલર મીરાબેન માવદિયા અને પોલીસ કોન્સ્ટેબલ સેજલબેન પંપાળીયા દ્વારા મહિલાને સાંત્વના આપી, તેમની ચાર માસની બાળકી અપાવી હતી અને સુરક્ષીત રીતે એ મહિલાને તેમના મમ્મીને સોંપવામાં આવી હતી તથા તેમના પતિ તથા સાસરીવાળાઓ વિરુધ્ધ આગળની કાર્યવાહી માટે આદિત્યાણા પોલીસ ચોકીમાં સોંપવામાં આવી હતી.